પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
66
નિરંજન
 


14
ભાઈની બહેન

કાગળ ઉપાડતાં ઉપાડતાં આંગળીઓ કંપી ઊઠી. હૈયાનો એક એક ધબકારો એક એક હથોડાનો પ્રહાર બની ગયો. કલ્પનાએ વગર વિચાર્યો વેગ કર્યો.

હજુ પરબીડિયું ફોડે ત્યાં તો વિચારચક્રો કોઈ તોપખાનાનાં પૈડાં જેટલો છૂંદો બોલાવતાં ગયાં.

બાપુજીનું અવસાન હશે? મારા અહીંના ખર્ચને પહોંચી વળવા સારુ કોઈકને ઘેર કથા વાંચવા ગયા હશે ને રસ્તામાં પડી ગયા હશે? ત્યાં ને ત્યાં ખોપરી ફાટી ગઈ હશે?

એક રીતે ઠીક જ થશે. બહેન રેવાને હું અહીં ઉઠાવી લાવીશ. મારી જોડે રહીને એ અહીં ભણશે. એનું કાંડું હું સુનીલાને ભળાવીશ. સુનીલા જેવી એ મર્દ બનશે ને પછી અમે ભાઈબહેન...

ત્યાં તો પરબીડિયું ઊઘડ્યું. અંદરથી બાપુજીના જ હસ્તાક્ષરો નીકળી પડ્યા. લગભગ અંધાપો વેઠતા એક વૃદ્ધની થરથરતી આંગળીઓએ માંડ માંડ પાડેલા એ ડાઘાડુઘીથી ભરેલા અક્ષરો હતા.

ચિ. ભાઈ,
આજે સવારે બેન રેવાનો દેહ પંચત્વને પામ્યો છે. ઈશ્વરના ઘર આગળ આપણો ઉપાય નથી.
નીચે તા. ક. કરીને વિગત લખી હતી:
ચાર દા'ડા અગાઉ તો દીવાનસાહેબના સાળા વેરે રેવાનો સંબંધ નવાણું ટકા નક્કી થઈ ગયો હતો. મુરતિયો રેવાને જોવા પણ આવેલો. તારાં માતુશ્રી જૂના જમાનાનાં, તેથી રેવાને મોઢામોઢ મળી પ્રશ્નો પૂછવાની તો ના પાડી હતી. મુરતિયો સંતોષ બતાવીને ગયો હતો. પણ કોણ જાણે શાથી, આપણ અભાગ્ય, કે તે દિવસથી જ રેવાનું મોં ફરી ગયું. એ વારે વારે ચમકતી હતી; રાતે ફફડીફફડીને જાગતી હતી.