પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભળતા નામનો લાભ અથવા ગેરલાભ ઉઠાવવાની સ્થિતિ કઢંગી છે. પુસ્તકનું નામ બદલી નાખવાની ઈચ્છા એ જ વિચારને લીધે અટકી રહી – કે જે જે વાચકોને છાપામાં આવેલું ‘નિરંજન' ન ગમ્યું હોય તેમને માટે નવું નામ છેતરામણું બનશે.

મુંબઈઃ 15-9-1936

[બીજી આવૃત્તિ]

સાંગોપાંગ સ્વતંત્ર વાર્તા લેખે મારી પહેલી જ કૃતિ 'નિરંજન’ મને શુકનદાયક નીવડી છે. એની પછી સાતેક વાર્તા-કૃતિઓ આલેખી શકાઈ છે.

જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડ્યું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય હતો. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો સમજવો.

બેએક વર્ષ પર જ્યારે મહારાષ્ટ્રીયન કવિ અને વિદ્વાન શ્રી માધવ જ્યુલિયનનું અવસાન થયું ત્યારે હું મુંબઈમાં હતો. એમના વિશે માહિતી મેળવવા મહારાષ્ટ્રી નાટ્યકાર શ્રી મામા વરેરકર પાસે જતાં, પહેલી જ જે વાત મામાએ મને કહી તે આ હતી કે, તારું ‘નિરંજન’ સ્વ. માધવરાવે વાંચેલું અને બહુ વખાણેલું.

તે પછી મામાએ મને સ્વર્ગસ્થની આપવીતીનો ઈતિહાસ સંભળાવ્યો ત્યારે મને સ્વર્ગસ્થનો ‘નિરંજન' પરનો અનુરાગ વધુ સમજમાં આવ્યો. આ કથામાં પ્રોફેસર નિરંજન પર જાતીય વિકૃતિનું આળ ઓઢાડવામાં આવે છે. સ્વ. માધવ જ્યુલિયન પણ મહારાષ્ટ્રની

[6]