પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
72
નિરંજન
 


“કેમ ? અત્યારે શા માટે નહીં ? તમને કશી અડચણ તો નથી થતીને ?” સુનીલાને પોતાના કપાળ પરની લટો ઊંચી કરીને હસતાં હસતાં જ બોલવાની ટેવ હતી.

"નહીં, મારે તો અત્યારની ભયાનક એકલતામાં કોઈકની જરૂર હતી.”

"એકલતા ભયાનક શાની ? ને વળી તમારા જેવા ચિંતકને !”

“ચિંતકને કોઈ કોઈ વાર ખબર પડે છે કે પોતે માણસ છે; માટીનો જ સરજેલો માનવી છે.”

"કંઈ બન્યું છે?”

"નહીં, કશું નહીં. પણ હું તમને બેસવાનું કહેતાં તો ભૂલી જ ગયો. બેસશો ?”

"હું એકલી નથી; બીજાંઓ પણ છે.”

સુનીલાએ સાથીઓને કહ્યું: “આવો.”

જલદી જલદી નિરંજને ભોંય પર એક ચટાઈ બિછાવી. અતિથિઓ અંદર આવ્યાં. બે કૉલેજના વિદ્યાર્થીઓ હતા ને એક બીજી સ્ત્રી હતી.

સ્ત્રીની વય આધેડ હતી. કાળો સાળુ પહેર્યો હતો. હાથમાં ચૂડલીઓ નહોતી.

“આ મારાં બા છે;” સુનીલાએ ઓળખાણ આપી.

“એમ? આ પોતે જ ?"

નિરંજન જાણે ઘણા વખતથી જોવા ઉત્સુક હોય તેવી અદાથી તાકી રહ્યો. પ્રો. શ્યામસુંદરનાં જ પેલાં પત્ની ને ?' એટલું વાક્ય નિરંજનના હોઠ પર નાચતું હતું પણ બોલતો બચી ગયો. ન બોલી નાખવા બદલ નિરંજને તેત્રીસ કોટિ દેવતાનો આભાર માની લીધો.

“બેસો !” કહી નિરંજને ચટાઈ બતાવી. ચટાઈ ચાર જણાં સમાઈ જાય તેવડી હતી ખરી, પણ બે સ્ત્રી ને બે પુરૂષો મળે છે ત્યારે એનો સરવાળો ચાર નથી થતો.

બીજી સાદડી માટે નિરંજન ફોગટ ઓરડીને ફેંદતો હતો. બીજી