પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
74
નિરંજન
 

સુધારી.

"હા, એ બેઉ ભણવામાં ઢ છે. ત્રણ વર્ષથી એક ક્લાસમાં પડ્યા છે. રસ્ટીકેટ થવાની કશી ચિંતા નથી. તેઓ છૂપી રીતે કોલેજના ટાવર ઉપર ધ્વજ ચડાવી આવવા તૈયાર છે.”

"હાં હાં.” નિરંજને શ્વાસ ઠાલવ્યો.

“તમારો શો મત છે ?” સુનીલાએ સ્મિત કરીને પૂછ્યું.

"પૂરું સાંભળી તો લઈએ” કહી નિરંજને પેલા ભાઈઓને પૂછ્યું: “હં, પછી ?”

“તે વખતે”, એક ભાઈએ ચિત્રમાં છેલ્લાં ટપકાં મૂક્યાં: “આપણે સહુએ હોસ્ટેલની આપણી ઓરડીઓમાંથી ઝંડાનું ગીત લલકારવું. સહુ ગાતાં હશું એમાં પ્રિન્સિપાલ કોનું કાંડું પકડવા બેસશે?”

બીજાએ પૂર્તિ મૂકી: “પ્રિન્સિપાલ આવી પહોંચે તે પહેલાં તો આપણે બધું પૂરું કરી નાખશું ને પેલા આપણા મહેરબાન–” ક્લબના સેક્રેટરીને ઉદ્દેશી કહ્યું: “કાલે હોસ્ટેલમાં તેમની હાજરી નહીં હોય.”

“આ રહ્યા ત્રણ રાષ્ટ્રધ્વજો. અમે લાવી રાખ્યા છે,” એમ બોલીને એકે ગજવામાંથી ધ્વજો કાઢ્યા.

નિરંજને એ ધ્વજોના કપડા ઉપર હાથ ફેરવ્યો. સુંવાળા રેશમ ઉપર છાપેલા ત્રણ ત્રણ રંગો !

"આમાંથી એક સહુથી સુંદર છે તે સુનીલાબહેનના હાથમાં દઈશું,” એક વિદ્યાર્થી બોલી ઊઠ્યો.

જરા બારણું ખખડ્યું. પેલા ધ્વજવાળા ચમકી ઊઠ્યા. “કોણ હશે ?”

એક જણ ઊઠીને જોઈ આવ્યો.

“મિયા...ઉં!” એક સફેદ બિલાડી બારણા નજીક ઊભી હતી.

“સાલી આ તો બિલ્લી ! નાહક બીધાં !” જોઈ આવનાર હસતોહસતો પાછો બેસી ગયો.

"બીક તો ઠીક, પણ ચેતીને ચાલવા જેવું તો ખરું જ ને ?” એના