પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રણ રૂમાલ
75
 

જોડીદારે એનું વર્તન વાજબી ઠરાવ્યું.

બિલ્લીનો કોમળ, કરુણ, પ્રેમલ શબ્દ ફરીથી સંભળાયો ને નિરંજને જવાબ દીધો: “આવો, અંદર આવો મીનીબાઈ, દૂધ તૈયાર છે.”

મુલાયમ પ્રાણી અવાજ વગરની છલંગ દેતું અંદર આવ્યું. નિરંજને દૂધની વાટકી ધરી દીધી. પીને બિલ્લીએ વાટકી, ભોંય પરના છાંટા, ને પોતાના પંજા જીભ વડે સાફ કરી નાખ્યા. સાફસૂફ બનીને એ નિરંજનની ગોદમાં લપાઈ.

સુનીલાને આ એક નવદર્શન થતું હતું.

“બોલો, મિ. નિરંજન !” પેલાએ પૂછ્યું, ત્યારે હવે તમે શો સાથ દેશો ? આપણે આ ઉજવણાને 'ડ્રામેટિક' તો બનાવવું જ જોઈએ.”

"સાચો શબ્દ કહ્યો તમે;” નિરંજને ટાઢો જવાબ વાળ્યો.

“તો કેવી રીતે ? "

“મને લાગે છે કે આ ત્રણેય ધ્વજોના હાથરૂમાલ કરી નાખોને ?”

નિરંજનના આ શબ્દોએ પેલા બેઉને જાણે કે કોઈ ડુંગરની ટોચ પરથી ધક્કો માર્યો.

“એમ અમારી મશ્કરી કાં કરો ?”

"ત્યારે શું રાષ્ટ્રધ્વજ મશ્કરીની વસ્તુ છે ?”

"અમે તો તમારા ઉપર ભરોસો રાખીને આવ્યા હતા.”

“શાનો ભરોસો ? નામર્દાઈનો ?"

સુનીલાના હોઠ બોલું, બોલું થઈને રહી ગયા કે, 'મર્દાઈની પણ તમે તો ચમત્કારી પ્રાપ્તિ કરી લીધી ને શું !'

“એમાં નામર્દાઈની ક્યાં વાત આવી ?" બેમાંથી એકે પૂછ્યું, "આજે તો રાષ્ટ્રભાવનાના દેવતાને ભારી રાખવામાં જ સાર છે.”

બીજાએ કહ્યું: “પ્રજાએ પ્રજાનો રાષ્ટ્રપ્રાણ એ રીતે જ રક્ષાતો આવ્યો છે. સમય આવશે ત્યારે એ તિખારામાંથી જ દેશવ્યાપી ભડકો ઊઠશે.”

“ભાઈઓ !” નિરંજને કંટાળીને કહ્યું: “આ બધી ભાષાની ભભક