પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
76
નિરંજન
 

મને અસર નથી કરતી. ગુજરાતી છાપાં ઠીક ઠીક વાંચું છું. મને પોકળ ભાષાનો મહાવરો છે."

"ત્યારે?"

"હું જે પૂછું તેનો સીધો જવાબ આપશો?"

"બોલો."

"તમને રાષ્ટ્રધ્વજનો ડર છે?"

"ડર હોય તો જોઈ આવો, આ ઊભી અમારી મોટરકાર. એને મોખરે અમે રાષ્ટ્રધ્વજ રોપ્યો છે."

સુનીલા વચ્ચે બોલી ઊઠી: 'પણ એ મોટર લઈને તમારા પિતાજી સાહેબલોકોને આંગણે તો નથી જતા ને?"

"પિતાજીની વાત પિતાજી જાણે." જવાબ દેનારના મોં પર કચવાટ હતો.

"તો પછી હું સીધો પ્રશ્ન પૂછું," નિરંજને કહ્યું, "તમે આ ક્રિયાની મહત્તા સમજ્યા છતાં છાનગુપત રમત રમી, એક સ્ત્રીને તથા બે ભાડૂતી વિદ્યાર્થીઓને હોળીનું નાળિયેર શા સારુ બનાવવા માગો છો?"

"હોળીનું નાળિયેર!"

"હા, યજ્ઞનું નાળિયેર તો નહીં જ."

"એટલે?"

"એટલે કે હોળીનું નાળિયેર તો સિફતથી પાછું કાઢી લેવાય છે, યજ્ઞના અગ્નિકુંડમાં ગયેલું શ્રીફળ યજ્ઞની જ્વાલાઓને ભભુકાવીને ત્યાં જ ભસ્મ થાય છે."

હસતીહસતી સુનીલા વચ્ચે ટહુકી: "આ દેશમાં તો હોળીનું જ પર્વ ચાલી રહ્યું છે ને?"

"સુનીલાબહેન," બેમાંથી એકે ઠપકો દીધો, "અમે તો તમારો વસીલો સમજીને તમને અહીં લાવેલા. ત્યારે તમે તો ઊલટું કાપો છો."

"વસીલો !" નિરંજનને એ મીઠી લાગતી વાત વધુ સ્પષ્ટ કરાવવી હતી, "એમનો વસીલો મારા પર શી રીતનો?"