પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૬


(લલિત)
અજબ વેણ એ દેવી બોલતી,
મુજ કુતુહલો તીવ્ર ખોલતી,
સ્થિર રહી, ધરી મૌનભાવને;
પછી નવીન જો ! દશ્ય શું બને! ૧૭

(વિષમહરિગીત.)

વ્યોમના વિસ્તારમાં જો! ચાંદનીના પટ પરે
દેવી રહી ઊભી અલૌકિક નૃત્યલીલા આદરે;
ફૂદડી દેવી ફરે વેગે, અને ઉરહાર જો !
ઊછળી રહ્યો, ને ભુજ સહસ્ત્રે ઘૂમતી ફૂલમાળ તો. ૧૮

ને ઘૂમે ચોગમ ફરંતો ઘેર સાળૂનો ઝીણો;
તે વેળ હેના રંગ ઊછળે હર્ષ ધરતા શું ઘણો !
નૃત્ય એ ચાલી રહ્યું ત્ય્હાં નૃત્યમાંથી ઊપન્યું
અવનવું ગાન અસંખ્ય સ્વરના મેળ સાચવતું ખરું.૧૯

તારલા ઉરહારના એ ગાનના સુર બની ગયા,
ને કરકુસુમગણ તીવ્ર કોમળ રુ૫ ઝીણા ધારતા;
ઇન્દ્રધનુના વિવિધ રંગો સાળૂમાં જે રાજતા
તે મૂર્છના સ્વરની રચી ક્ષણક્ષણ મનોહર વાજતા.૨૦