પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૩

 ચરણોની માત્રાનો શરવાળો ૫૦ થશે; અને હરિગીતમાં બે ચરણોની કુલ માત્રા ૫૬ થશે. (દલપતરામે કહેલો હરિગીત સમઝવો. નર્મદાશંકરના હરિગીતનાં બે ચરણની કુલ માત્રા ૫૨ થશે.) ખંડ હરિગીતનું ચૉથું ચરણ પણ પ્રથમનાં ત્રણ ચરણ જેવું રાખે તે ૪૮ માત્રા કુલ થાય, ચૉથા ચરણમાં મ્હેં ફરક રાખ્યોછે તે એકતાનતા થતી રોકવા માટે, તેમ જ શ્લોકની સમાપ્તિની પૂર્વચ્છાયા કાંઈક આંકવા માટે; છેવટના ચરણને પૂર્વગત ચરણો સાથે જોડવાને એક અંકોડૉ (આરમ્ભની બે માત્રાનો) દાખલ કરવાથી આ સિદ્ધિ થાય છે.

આ કાવ્યના ૨૫ મા શ્લોકમાં ચૉથું ચરણ ૧૪ માત્રાને બદલે ૧૨ માત્રાનું હતુપુરઃસર રાખી આરમ્ભની માત્રાથી જ તાલ રાખ્યો છે :—

યુવક એ સુખસેવને
સાચી પ્રેમસુધા કંઈ
ચાખશે આ જીવને ?
—ઘુવડ બોલ્યો – “કદી નહિં.”

અહિં પ્રથમનાં ત્રણ ચરણમાંની વિચારશ્રેણી કવિના હૃદયની અંદર વ્હેછે; અને ચૉથા ચરણમાંનો વૃત્તાન્ત (બાહ્યદર્શને) કવિહૃદયની બ્હાર દૂર રહેલા ઘુવડનામાંથી ઉદ્‌ભવ પામેછે. એ બંને વસ્તુઓ જુદી જુદી દિશામાંથી પ્રવર્તતી દર્શાવવાને માટે ત્રીજા ચરણની પછી બે માત્રા ગાળીને ઉત્પન્ન થતા વિરામની આવશ્યકતા છે. છેલ્લા ચરણને પૂર્વગત ચરણો સાથે જોડનારો અંકોડો છોડી નાંખવાથી આમ બંને ભાગને અલગ રખાયછે.