પૃષ્ઠ:Palkara.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બદનામ
95
 

અદાલતના પ્રમુખે પૂછ્યું : “છેલ્લી વાર – બોલો : પ્રશ્નોના જવાબ આપવા છે ?”

કેદીએ નકારમાં ડોકું હલાવ્યું.

લશ્કરી પ્રમુખે હુકમ દીધો : “લે જાવ. કલ ફજરમેં ફેંક દો.”

કેદી જેવા ને તેવા રુઆબ સાથે ચાલ્યો ગયો. જાસૂસ સુંદરીએ એની આંખો સાથે આંખો મિલાવવા છેલ્લી કોશિશ કરી : પણ કેદી એના અસ્તિત્વનો યે ખ્યાલ બતાવ્યા સિવાય નીકળી ગયો.

જાસૂસ સુંદરીની ગર્વભરી આંખોમાંથી ગર્વ અને કટાક્ષ નીતરી ગયાં; આંખોમાં કંઈક ન સમજાય તેવો ભાવપલટો આવ્યો. પણ એણે સમતા ન ગુમાવી. થોડી વારે ધીરેથી એણે લશ્કરી અદાલતને કહ્યું : “મને એ કેદી જોડે દસ મિનિટનો સમય આપશો ?”

“કેમ ?”

“હું એની જબાન ખોલાવી શકીશ.”

“નિરર્થક છે. શત્રુ-દેશના કોઈ પણ માણસની જબાન એની ઇચ્છા વિરુદ્ધ ખોલાવવી નિરર્થક છે.”

“મને મારામાં વિશ્વાસ છે. દસ જ મિનિટ આપો.”

દસ મિનિટોની મુદત લઈને ઓરત કેદીના ખંડમાં દાખલ થઈ; પહેરેગીર અફસરોને કહ્યું : “તમે હમણાં સિધાવો.”

“પણ – પણ-”

“ફિકર નહિ; મારા કબજામાં – મારી જવાબદારી પર છે એ.”

[5]

બેઉ એકલાં પડ્યાં. ઓરતે પૂછયું : “કેમ, હવે તો ઓળખાણ પડે છે ને ?”

“તું એક ઓરત છે એ જ મોટામાં મોટી ઓળખાણ.”

“આપણે કેટલી વાર મળ્યાં ?”

“ઘણી વાર.”

“તમે એકેય વાર ન રોકાયા.”