પૃષ્ઠ:Palkara.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
116
પલકારા
 

હમેશાંનું ટટાર રહેવા ટેવાયલું એનું માથું જાણે ધડથી છેદાઈ, લબડી રહ્યું હોય એવી રીતે ઢળી પડ્યું. કેટલીય વાર સુધી એ ત્યાં ને ત્યાં ઠેરી રહ્યો. દેવપ્રતિમાનાં અનિમેષ નેત્રો એના ઉપર વરસતાં હતા.

જ્યારે એ બાજુએ ફર્યો ત્યારે જુવાન યુગલ ત્યાંથી ક્યારનું ચાલ્યું ગયું હતું. ઝીણી આંખે એણે ઘરના પ્રત્યેક રજકણ પ૨ નીરખ્યા કર્યું. કણેકણની પછવાડે એ તોયાને શોધતો હતો. ઘરનું મૌન અને એનું પોતાનું મૌન : બે મૌન જાણે સવાલ-જવાબ કરતાં હતાં. એના મોં ઉપર હજાર કુહાડાના ઘાવોએ જાણે ખાડા પાડી દીધા.

આંધળાની માફક એ દીવાલનો, કમાંડોનો ને થાંભલાનો ટેકો લેતો લેતો ઘરની બહાર નીકળ્યો.

“હેં-હેં-હેં-હેં !” ઘુવડના અંધારવીંટ્યા અવાજ જેવું એક હાસ્ય એને કાને અથડાયું.

એણે ઊંચે જોયું. કોમનો દાઢીવાળો આગેવાન એક બાજુ ઊભો ઊભો કહેતો હતો : “શાબાશ ! મેં જોયાં એ બેઉને જીવતાં જતાં. શાબાશ નામર્દાઈ ! કોમની તવારીખમાં કદી ન બનેલો કિસ્સો ! દેવના નામે, પિતૃઓને નામે, ધર્મકુહાડો ધર્યો હતો તેને બરાબર શોભાવ્યો ! શાબાશ કોમના કલંક !”

“હેં-હેં-હેં-હેં” ફરીવાર મધરાતનો ઘુવડ-નાદ કરીને બુઢ્ઢો આગેવાન ચાલ્યો ગયો.

[6]

વળતા દિવસનાં પ્રથમ સૂર્ય-કિરણોએ એ લત્તાની દીવાલો પર, ભોંય પ૨, કાગળોનાં પતાકડાં પર, જ્યાં ને ત્યાં જાહેરાતો વાંચી :

“નાપાક ઓરતના ટુકડા કરવાને બદલે એના જાર સાથે જીવતી જવા દેનાર ભાઈ … કોમના દ્રોહી નીવડ્યા છે; કોમને એણે એબ લગાડી છે. એનો બહિષ્કાર કરો.”

બહિષ્કાર એટલે જીવતાં કબરમાં ચણાવું. રક્તપિત્તિયાને લોકો ત્યજે છે. છતાં લોકોની દયા એને નથી ત્યજી જતી પણ બહિષ્કાર પામેલો માનવી તો લોકતિરસ્કારના વાઘદીપડાને મોંએ ફેંકાઈ જાય છે : એના માંસના લોચા