પૃષ્ઠ:Palkara.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માસ્તર સાહેબ
5
 

સ્ત્રીની માફક માસ્તર સાહેબ પોતાના ક્લાસમાં પહોંચી ગયા.

હાઇસ્કૂલનું મકાન અસલી બાંધણીનું હતું. મૂળ તો એ પ્રોપ્રાયટરના દાદાના જાહોજલાલીના કાળમાં કુટુંબને રહેવાની હવેલી હતી. એટલે અમુક ઓરડાઓ, કે જે અસલ સ્ત્રીઓના આવાસના હતા, તેમાં અજવાળું પ્રવેશ કરી શકતું નહોતું. સાઠેક વર્ષ પૂર્વેનાં એ પરલોકગત દાદીમાના ભરયૌવન સતીત્વની બાકી રહેલી પ્રતિભાથી હજુ પણ જાણે સૂર્ય ત્યાં પેસતાં ગભરાતો હતો. આવું મકાન નિશાળને માટે ન ચાલી શકે; પરંતુ પ્રોપ્રાયટર પોતે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચૅરમૅન હોવાને કારણે એવું નક્કી કરાવી શક્યા હતા કે પ્રાચીન સ્થાપત્યકલાના અવશેષ સમી આ ઇમારતને ખંડિત ન કરતાં વિદ્યાર્થીઓને કલાના એ જીવતા નમૂનાનો લાભ આપવો, ને એમ કરવા જતાં અજવાળાની ત્રુટી જણાય તો ઇલેક્ટ્રિક લાઇટ સાંજનો એકાદ કલાક બાળવામાં વાંધો નથી.

મ્યુનિસિપાલિટીના પ્રમુખે આ વાતને બહાલી આપી હતી, કેમ કે એમના કારખાનાનું મકાન પણ શહેરી વસવાટના લત્તામાં આવી ગયેલું હતું ને ફેરવવાના પ્રસ્તાવને તોડી પડાવવામાં હાઇસ્કૂલના પ્રોપ્રાયટરે તનતોડ મહેનત લીધેલી – એટલે સુધી કે ખુદ એ લત્તાનાં જ રહીશોએ હાજર થઈ કમિશનરની સામે જુબાની આપી હતી કે કારખાનાના થડકારથી અમારાં ઘરોને કશી જ જફા લાગવાની નથી, ઊલટાનું કારખાનું નજીક હોવાથી ત્યાંની આખી રાત બળતી પેટ્રોમેક્સ બત્તીનો પ્રકાશ અમારી ઓસરીઓને અજવાળે છે તથા કારખાનાનાં પઠાણ ચોકીદારો તેમ જ શિકારી કૂતરાઓ પોતાના સારી રાતના ખોંખારાથી તથા ‘ડાઉ ડાઉ’ અવાજોથી અમને ચોરડાકુના ત્રાસમાંથી બચાવે છે.

શહેરની આવી આવી અનેક દિશાઓની એકસંપીને પ્રભાવે માસ્તર સાહેબના ધોરણ ‘ફિફ્‌થ બી’નો ખંડ ઠંડા સુંવાળા અજવાસ વડે શોભતો. ને મકાનની પ્રાચીન કારીગરીની આસપાસ એ ધીરું અજવાળું એક અદ્‌ભુતરંગી વાતાવરણ પાથરતું. માસ્તર સાહેબની ઝાંખી પડતી જતી આંખોને આ અજવાળું અનુકૂળ લાગતું ? કે પછી એ અજવાળાએ જ માસ્તર