પૃષ્ઠ:Palkara.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
142
પલકારા
 

દઈશ.” ડાકુએ બંદૂક તાકી.

પોતાને બહારવટિયાએ ફૂંકી દીધો હોવાની હકીકત તો છાપાવાળાને બહુ આકર્ષક લાગી. ઘડીભર એના કલ્પનાવ્યોમમાં પોતાના અખબારનું પહેલું પાનું રમી રહ્યું. કરોળિયા જેવડા મોટા અક્ષરોની હેડલાઈન, પોતાનું વિસ્તૃત જીવનવૃત્તાંત, અને ‘મરહૂમ પોતાની પછવાડે એક જુવાન નિરાધાર વિધવા તથા પાંચ નાનાં બાળકોને મૂકી ગયો છે’ એવી હૃદયદ્રાવક નોંધ સાથે પોતાના કુટુંબનો ગ્રુપ ફોટો : વગેરે સુંદર નિવાપાંજલિ એની નજર સામે તરવરી ઊઠી.

પણ મુશ્કેલીની વાત એ હતી કે પોતાના ઠાર થયા બાદ એ વાતનો ‘ડિસ્પેચ’ મોકલનારું ત્યાં કોઈ હશે નહિ.

છાપાવાળાએ પાંચાને એક વાત સમજાવી : “પાંચા બહારવટિયા ! મારું લખાણ નહિ જાય તો અમારા છાપામાં છપાશે કે તમે મને ઉઠાવી ગયા. મને અગ્નિ પર ચલાવ્યો, મને જીવતો લટકાવીને નીચે ભડકા કર્યા. પછી મને શેકીને તમે ખાઈ ગયા.”

પાંચો સ્તબ્ધ બની ગયો. “એવું, છાપે ? કાગળિયા માથે એવું જૂઠાણું છાપે ? ને લોકો એવું માને ? પાંચિયો મનુષ્યાહારી છે એવું માને ?”

પાંચો સમસ્યામાં ડૂબી ગયો.

“બતાવું ?” છાપાવાળાએ પોતાનું પાકીટ ખોલવાની રજા માગી.

“શું બતાવે છે ?”

બે-ત્રણ છાપાનાં મોટાં પાનાં કાઢીને એણે બહારવટિયાની સામે પાથર્યાં. એમાં પાંચા ડાકુની કલ્પનાછબીઓ હતી. પાંચાના સિતમાના કલ્પિત રેખાચિત્રો હતાં. એક ચિત્ર એવું હતું કે પાંચો નાનાં છોકરાંઓને માતાઓનાં સ્તનો પરથી ઉપાડી લઈ ઊંચે ઉછાળે છે, ને પોતાની ભાલાની અણી પર ઝીલી મારી નાખે છે.

“ને દુનિયા મારે વિષે આ બધું માની લે ?” પાંચાને દુનિયાનું ઓછું આવ્યું.

“મેંય માનેલું. એટલે જ રેલગાડીમાં મેં તમને દીઠા ત્યારે તમે મને