પૃષ્ઠ:Palkara.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
146
પલકારા
 

છાપાવાળાએ પોતાની ઓરતની છેલ્લામાં છેલ્લી તસવીર બતાવી. બહારવટિયાએ ધારી ધારીને છબી સામે નીરખ્યા કર્યું.

કોઈ ન સાંભળતું હોય એવી ધીમાશથી ડાકુ બબડ્યો : “આવી જ હતી બરાબર.”

“કોણ ?”

“મારી મા.”

ને પંદર વર્ષો પર જેના પાલવમાં લપાઈને પોતે ઊભો રહેતો, તે મા એને યાદ આવી. કંઈક અકળ અકળામણ થતી હોય તે પ્રકારે લીલી ધ્રો ઉપર એણે મોં રગદોળ્યું. બીજે પડખે ફરી ગયો.

છાપાવાળો ઢંઢોળવા લાગ્યો : “ભાઈ, ભાઈ ! શું થાય છે ? મરદ થઈને ! –”

“અરે ના રે ના ! થાય વળી શું ?”

કહેતો ડાકુ ઊઠ્યો ને જલદી જલદી ઝરણાને તીર જઈને મોં ધોયું, પાણી પીધું, ગળું ખોંખારી કાઢ્યું.

છતાં વાતને બદલવાની જરૂર હતી. છાપાવાળાએ ધીરી ફૂંક મારી : “હં-હું, પાંચાભાઈ, આમ તો જો !”

એ નવી બતાવેલી તસવીરમાં છાપાવાળાનો એની પત્ની જોડે પડાવેલો ફોટો હતો.

“તારો આવો ફોટોગ્રાફ હું ક્યારે પાડી શકીશ, ભાઈ ?”

“છાપામાં છપાશે ?”

“અરે, પે’લે પાને.”

પાંચાના દિલમાં કોમળ ભાવ રમતો થયો. તે દિવસથી અનેક વાર પોતે પહાડના ખડકો અઢેલી ઊભતો, ત્યારે જાણે એનો જમણો હાથ કોઈક અદીઠ સહચરીના ખભા ઉપર વીંટળાયા જેવો મરોડ ધારણ કરતો. એનાં નયનોએ કોઈ માદક અંજનની ઘેરાશ પકડી. વારંવાર એણે છાપાવાળા ભાઈબંધની પત્નીના તેમ જ પાંચ બાળકોના ફોટોગ્રાફ માગી માગી નિહાળ્યા ને વારંવાર પૂછ્યા કર્યું : “મારાય આવા જ પોટુગરાફ શું છાપામાં