પૃષ્ઠ:Palkara.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
153
 

જઈ પહોંચ, ઘરેઘરને જાણ કરો કે રાજપલટો કરવો છે, જણજણ નીકળી પડે. મોટે ડુંગરે આવી મળે. પોશાક ને પેટિયું ભાઈજી દેશે, ને ખબરદાર કોઈ હવે પછી ‘પાંચાની જે’ ન બોલાવે; ‘જનમભોમની જે’ પોકારે, ને ; જાઉં છું ખારા પંથકમાં, આવતી બીજ આભમાં દેખાય ત્યારે તમામ મોટે ડુંગરે પોગી જજો. બીજનાં દર્શન કરીને બધા ઊપડશું.”

સાથીઓના ઘોડા-સાંઢિયા સરખા વાવડામાં દરિયે મછવા ઊપડે તેમ ઊપડ્યા. ગામોગામની મધરાતો એક જ બોલે ગુંજી ઊઠી કે ‘તમને બોલાવે છે : જનમભોમ બોલાવે છે : જણેજણને બોલાવે છે.’

*

“કવાયત-ફવાયતની આપણને શી પડી છે વળી ?”

“સાચી વાત તો સાબૂત કાંડાં-બાવડાંની છે.”

“– ને દેશ રસાતળ હાલ્યો જાય છે ત્યાં વળી કવાયત કરવા ક્યાં બેસીએ ?”

ભેગા થયેલા લોકસૈન્યમાં આવો ચણભણાટ ચાલ્યો. તમામનો મત એવો પડ્યો કે હવે તો, બસ, દેકારો જ બોલાવી દઈએ. રાજની છાવણી કે થાણાં જ્યાં જ્યાં હોય ત્યાં પડીને સાલગોટો ઉડાવી નાખીએ.

બહારવટિયાને ભાઈજીની ભલામણનું વિસ્મરણ થયું. ઉમેદ જન્મી કે જૂની ગામડિયા રીતે રાજના મોરચાના ભુક્કા ઉરાડી એક દિવસ જઈને ભાઈજી કને વધામણી ખાટીશ.

સળગતા વંટોળિયા જેવું પાંચા-સૈન્ય પ્રજ્જ્વલી ઊઠ્યું, ભડકામાં ભડકા ભળે તેમ વતનનાં લોકો એ ફોજમાં વધારો કરવા લાગ્યા. રાજસત્તાની એડી તળે ચંપાયેલી ભુજંગ-ફેણ જનતાને ટટાર કરી. ‘તમને બોલાવે છે !’ ‘તમને બોલાવે છે !’ – એ સાદ ઘૂમતો ગયો. પછી બોલાવનાર કોણ છે, ને આખરે શી ગતિ થવાની છે, એની કોઈને તમા નહોતી. નિષ્ક્રિય નિર્વીયતાના જીવતરમાં એક નવીન, જ્વાલામય, અને પુરુષાતનને પડકારતો ઉદ્યમ જાગી ઊઠ્યો. તેમાં જ આ ગોવાળ તથા ખેતીકાર પ્રજાને સુખ ભાસ્યું.