પૃષ્ઠ:Palkara.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
154
પલકારા
 



[11]

‘હવે તો પાંચાભાઈને પરણાવે જ છૂટકો છે’ એવી ૨ઢ આખી ફોજમાં પ્રસરી ગઈ. પ્રથમ જે હાંસી હતી તેણે છેવટે ગંભીર ઇચ્છાનું રૂપ કર્યું. ગ્રામપ્રજા હંમેશાં એક જ દૃષ્ટિએ વિચારે છે : આવા મર્દનો વંશ-વેલો ન ઊખડી જવા દેવાય, અને આવા પુરુષના પાકે તે કેવા પાણીદાર બને ! પાંચાની મૂછડીએ પણ એ મશ્કરીની લહેરો ફરકવા લાગી.

કોઈએ કહ્યું કે ઢેલીડા ગામના દરબારી પટેલની પુત્રી પાંચા ઉપર મોહિત થઈ ભમે છે.

ઢેલીડા ગામ ઉપર છાપો લગાવીને પાંચાએ જે વેળા નદીકાંઠે એક સિવાયની તમામ, પનિહારીઓને ભર્યે બેડે ચાલી જવા દીધી, ત્યારે એણે પોતાની પ્રીતિના પાત્રને મોઢામોઢ દીઠું.

તાજા વરસ્યા મેઘનીરે નીતરતી કો’ પાંચાળી ડુંગરી જાણે સમીસાંજને આરે શોભતી હતી.

બાજુમાં જ નદીનો ધરો ડોળતી એની ભેંસ માદણે મહાલે છે.

“ઢેલીડાના પટેલની દીકરી તું ?” પૂછતાં પૂછતાં બહારવટિયાનું મોં લાલ ટશરો છાંટવા લાગ્યું.

અઢાર વર્ષની જોધાર કન્યાએ હકારમાં માથું હલાવ્યું. એના ગાલોમાં ગલ પડ્યો.

“તારું નામ ?”

જવાબમાંથી ઊઠતા રણકારે બહારવટિયાને જાણે નિમંત્રણ દીધું. એના કદમ આગળ વધ્યાં.

કન્યા ખસી શકે તેમ નહોતી. પછવાડે નદી હતી.

જેમ જેમ પાંચો કદમ ભરતો ગયો તેમ તેમ કન્યાને ગાલેથી ગલ ખરી જઈ ભડકા રંગનું રુધિર ચડતું ગયું. છતાં એનો મલકાટ એના હોઠ ઉપરથી ન ઊખડ્યો.

સાથીઓ દૂર ઊભા ઊભા જોતા હતા : પાંચાનો ઘોડો બે જણની અસ્વારી ઝીલવા માટે પોતાનો તંગ ખેંચાવતો હતો.