પૃષ્ઠ:Palkara.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
પલકારા
 

 ધર્મના પાઠ વાંચવામાં સાધ્વીઓ બગાસાં ખાતી, જ્યારે બાબીને માટે આખી રાતના ઉજાગરા ઉપરાઉપરી ખેંચાતા.

પહેલી વાર જે દિવસે બાબીને ‘પા પા પગલી’ કરાવી તે દિવસ મહોત્સવ સમાન હતો.

બાબીના વાળ ઓળવા માટે સરસ કાંસકીઓ આવી. પોતાને માથે મુંડન કરાવનારી સાધ્વીઓએ બાબીના માથામાં ભાતભાતની અંબોડીઓ, તરેહતરેહના મીંડલા, ચિત્રવિચિત્ર ગૂંથણકળા કરી કરી વર્ષોની છુપાઈ રહેલી પોતાની રસક્ષુધાને તૃપ્ત કરવા માંડી.

બાબી મોટી થઈ, નવાં મૈયાને ‘મા’ તરીકે ઓળખવા માંડી.

બાબી આઠ વરસની… દસ વરસની થઈ. ધર્માલયના ઊંચા લતામંડપો પર ચડી ચડીને ફૂલો ચૂંટતી થઈ. ચૂંટતાં ચૂંટતાં ગાવા લાગી. શું શું ગાતી હતી ? ગાતી હતી કંઈક આવું આવું :

મારા ઘર પછવાડે રે વાડિયું;
એનાં ફૂલડાં લેર્યે જાય રે,
 વાગે છે વેરણ રે વાંસળી.
એનાં ફૂલડિયા ફોર્યે જાય રે,
વાગે છે વેરણ રે વાંસળી.
એનાં ફૂલડિયાં કરમાય રે.
વાગે છે વેરણ રે વાંસળી.

પાઠશાળામાં વૃદ્ધ સાધ્વીઓ સીવણ કરતી કરતી ધ્યાનચૂક થતી. હાથમાં સોય થંભાવીને બાબીના સૂરોમાં તાલ દેવા લાગતી. એક યુવાન સાધ્વીને નવો પાઠ આપવામાં આવ્યો હતો. તે ગોખતી ગોખતી બાબીના ગીતથી ધ્યાનભંગ થતી હતી. વારંવાર વડાં સાધ્વીજી કરડો અવાજ કરીને એને ટપારતાં હતાં કે “અટકો છો શા માટે મૈયા ! ગોખો. ગોખો. ગોખો ભલાં થઈને !”

ધર્માલયની ભીંતો વચ્ચે ‘વાંસળી’નું સંસારી ગાન પેસી ગયું હતું. બાબીના કંઠે સાધ્વીઓના સૂતેલા પ્રાણને જાગ્રત કર્યા હતાં. ખાડી જેવું