પૃષ્ઠ:Palkara.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરના બાળ
61
 

ચાલી નહિ,

પણ ભોળો માલો પ્રભાતે આ વાત વીસરી ગયો, અને સોદાગરની પાસેથી નવું કશુંક મળવાની લાલચે એણે એક જબ્બર શિકારની સેલગાહે મછવો ઝુકાવ્યો, સાગરની મહારાણી વહેલ માછલીના શિકારનું એ પરિયાણ હતું. જેના પૂછડાની થપાટે દરિયો થરથરે, અને જેવું તેવું જહાજ ભુક્કો બની રસાતલ જાય, એવી લોખંડી, વિકરાળ અને કાળદ્દૂત જળ-ચુડેલને એના પચાસ ગજ લાંબા વજ્રમઢ્યા શરીરના કયા બારીક મર્મભાગમાં ભાલો ભોંકવાથી મહાત કરી શકાય તેનું જ્ઞાન માલાને બરાબર હતું. માલાનો નાનકડો ભાલો આજ એ અચૂક નિશાન લેવા માટે ચકચકતો હતો.

ઘણે દૂર જવું પડ્યું. સાંજે મછવો ઘેર આવ્યો નહિ. રાત પડી. આબાએ બાળને ઊંઘાડી દીધું.

રાતે આબા બખોલમાં નહોતી.

પરોઢ થયું ત્યારે કાળા પડછાયા પાડતા વિદેશી જહાજની એક કૅબિનમાંથી આબાને કોઈએ બહાર હડસેલી દીધી. જહાજના ગોરા ખલાસીઓના ખિખિયાટા વચ્ચે આબા લથડિયાં લેતી લેતી, પુલ પર પટકાતી, પાછી ઊઠતી ધરતી પર પગ ઠેરવવા મથન કરતી, અને ‘માલા ! માલા ! માલા !’ એવા રુદનભર્યા સાદ પાડતી એ ચાલી નીકળી, દૂર દૂર, જઈને એક ટેકરી ઉપર એનું કલેવર ઢગલો થઈ પડ્યું. એનું કાળું કુડતું દૂરથી એને દરિયાઈ માછલીનું સ્વરૂપ આપતું હતું. માદક ગંધ એના મોંમાંથી ભભૂકતી હતી. આંખોનાં પોપચાં ઉપ૨ જાણે અક્કેક મણની શિલાઓ ચંપાઈ ગઈ હતી. વખતોવખત એનાં મોંમાંથી ફક્ત આટલો જ બોલ સંભળાતો હતો : ‘માલા !’ ‘માલા !’ ‘માલા !’

તે પછી થોડે જ સમયે દૂરથી બે તીણા ગોળીબાર થયા. આબાનો દેહ વીંધાઈને ટેકરીની બીજી બાજુ ઢળી પડયો. પોતે કોઈક મોટું જાનવર માર્યું છે એવો હર્ષ પામતા ગોરાં શિકારીએ આવીને જોયું : એણે એક માનવીનો શિકાર કર્યો હતો. આંખો ઉપર હાથના પંજા ઢાંકીને એ નાસી છૂટ્યો; જહાજમાં ચડી ગયો.