પૃષ્ઠ:Pankaj.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬ : પંકજ
 

'આ બીજી ખુરશી છે ને ?' પતિએ કહ્યું.

સુહાસિની બીજી ખુરશી ઉપર ન બેસતાં ઓરડાની બહારચાલી ગઈ અને સનત કુમારે એક કાવ્ય લખી નાખ્યું.

અગાસીમાંથી સંધ્યાના અનુપમ રંગો નિહાળતા સનત કુમાર એકાએક ચમક્યા. તેમના ગાલ ઉપર વિચિત્ર સુંવાળાપ ફરતી લાગી. બાજુએ ફરી જોયું તો સુહાસિની હસતી તેમના ગાલ ઉપર એક પીછું ફેરવતી હતી.

'જો, મારી કલ્પના ઉડી ગઈ !' અણગમો બતાવી સનત કુમાર બોલ્યા.

ઊડી જતી કલ્પનાને પકડી લાવવાની પતિને તક આપવાની પત્ની એક અક્ષર પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. તે રાતે એક સુંદર સાન્ધ્યગીત જગતની કાવ્યસમૃદ્ધિમાં ઉમેરાયું.

એક વીરકાવ્યની છેવટની કડીઓ ઘડતા સનતકુમારનું ધ્યાન – ભંગ કરતો સાદ સંભળાયો :

'હવે મધરાત થઈ. સુવું નથી ?' સુહાસિનીએ કહ્યું.

'તું શા માટે જાગે છે? સૂઈ જા.' પતિએ જવાબ આપ્યો.

'એમ ઊંઘ નહિ આવે. તમે પાસે આવો.'

'આવું છું. આટલી કવિતા પૂરી કરી લઉં.'

'હવે કાલે પૂરી થશે.'

'કાલે ? અત્યારે સ્કુરેલી શબ્દાવલી કાલે કેમ યાદ રહેશે?'

'યાદ ન રહે તો કાલે બીજી લખજો.'

'હં !' પતિએ સહજ હસી સ્ફુરેલી શબ્દાવલી બરાબર ગોઠવી વીરકાવ્યને સંપૂર્ણતા આપી.

પરંતુ પત્ની એટલામાં નિદ્રાવશ થઈ – કે પછી વગરબોલ્યે સૂઈ રહી.

સ્ફુરેલી વિચારશ્રેણી, ઝબકતી કલ્પના અને ગોઠવાતી શબ્દાવલી ફરીફરી તે જ સ્વરૂપે પ્રગટતી નથી. વીજળીની માફક એક વખત તે