પૃષ્ઠ:Pankaj.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવતા : ૧૦૭
 

જાય એટલે ફરી હાથ લાગે નહિ. સઘળા કવિઓનો એ અનુભવ છે.

પરંતુ પત્નીપણું એવું રિસાળ અને અદેખું હોય છે કે તે કોઈની મહત્તા સહન કરી શકતું નથી. જરૂર બતાવાય તો માગ્યે ઝૂંટ્યે તે સર્વસ્વ આપે છે. પરંતુ લગીર સરખી બેદરકારી સામે પત્નીપણા સિવાય બીજું સઘળું ગૌણ બની રહેવું જોઈએ. પત્ની હરીફ સહન કરી શકતી નથી – પછી તે હરીફ પ્રતિષ્ઠાનું રૂપ ધારણ કરે, કે કલાસેવાનું રૂપ ધારણ કરે.

સુહાસિનીએ ત્યાર પછી અદ્દભુત શાન્તિ ધારણ કરી. કવિ સનત કુમારને તેણે સતત કવિતા લખવા દીધી. કાવ્યપ્રવાહને કદી કોઈ પણ રીતે તેણે અટકાવવાની ભૂલ કરી નહિ, એટલું જ નહિ, પણ કવિતા વધારે પ્રમાણમાં લખાય એવી સગવડો તે ઊભી કરી આપતી. આ પત્નીએ પોતાનું વ્યક્તિત્વ અદ્રશ્ય અને અસ્પૃશ્ય બનાવી દીધું.સનત કુમારને પત્નીની નિરર્થક ઘેલછાઓ હવે નડી નહિ. તેમની કાવ્યનૌકા સડસડાટ આગળ ચાલ્યે ગઈ.

આથી સુહાસિનીએ રિસાવાનો કે અણગમાનો દેખાવ કર્યો એમ જરા ય માનવાનું નથી. તેમ કર્યું હોત તો સનત કુમારનો કાવ્યપ્રવાહ એ કારણે સહેજ અટકે એમ હતું. સુહાસિનીએ સદા ય હસતું મુખ રાખ્યું હતું. અને પતિની પ્રથમ કરતાં પણ વધારે કાળજી લેવા માંડી હતી. માત્ર પતિને નિરર્થક લાગતી – પરંતુ પોતાના જીવનમાં સદા ય રસ ભરતી – ચેષ્ટા કરવી તેણે મૂકી દીધી હતી. સનત કુમારે કદી જાણ્યું ન હતું કે સુહાસિનીને હૃદય દુખાયું હતું.તે તો ઘણી વખત પત્ની પાસે આશ્વાસન મેળવતા મથતા.

'જો ને, આ કોઈ વળી ટીકા કરે છે તે !' પોતાની વિરુદ્ધ થતી એક જ ટીકાને ઉદ્દેશી તેઓ સુહાસિની આગળ બબડતા.

'હોય એ તો ! આટલા બધા સારું લખે છે. પછી શું?'