પૃષ્ઠ:Pankaj.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવતા : ૧૦૯
 

'અહીં એકાન્ત નથી મળતું? મનમાં ઉત્પન્ન થયેલું દુઃખ સમાવી સુહાસિનીએ પૂછ્યું.

'હું એકલો જ એકાદ માસ જઈ આવું. મારો નવો સંગ્રહ મારે જોઈ જવો છે.'

'કેમ ?'

'પેલી ટીકા મને હેરાન કર્યા કરે છે. મારે જોવું છે કે મારાં કાવ્યમાં માનવતા ક્યાં નથી !'

'ભલે, જઈ આવો.' પતિની સર્વ પ્રકારની અનુકૂળતા પૂરી પાડવા તત્પર રહેતી સુહાસિનીએ કહ્યું.

અને સનત કુમાર એક નદી કિનારે આવેલા એકાન્ત સ્થળમાં પોતાનો કાવ્યસંગ્રહ લઈ એકાદ માસ માટે રહેવા ગયા, સાથે એક રસોઇઓ માત્ર લીધો.

નદી કિનારાના એકાન્તમાં જઈ તેમણે પોતાનો નવો સંગ્રહ ફરી તપાસવા માંડ્યો. વાતાવરણ કવિતાથી ભરપૂર હતું. લખેલાં કાવ્યો તપાસતાં હતાં, એટલું જ નહિ, પણ નવાં નવાં કાવ્યો રચાતાં હતાં. એક માસની અંદર તો બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થાય એટલી કાવ્ય સંખ્યા વધી ગઈ. માત્ર એક મહાચિંતા તેમને લાગુ પડી હતી કે તેમાં માનવતાનો સ્વીકાર થશે કે કેમ ?'

જૂનાં નવાં કાવ્યો તેઓ વારંવાર વાંચતા અને પોતે તેમાં માનવતા નિહાળી સંતોષ પામતા. પરંતુ પોતાનો સંતોષ એ ટીકાકારનો સંતોષ હોતો નથી. ટીકાકારનો વિચાર કરી તેઓ ચીડાઈ ઊઠતા અને પોતાની પત્ની પાસે ન હોવાથી સ્વગત ઉદ્ગાર દ્વારા એ ચીડને વ્યક્ત કરતા.

'શું કહેવા માગે છે એ ?....માનવતા એટલે શું ?...હું શું માનવી નથી ?...મારામાં માનવતા નથી ?'

નદીતટના એકાન્તમાંથી એ અજાણ્યા ટીકાકારનો બોલ સામો સંભળાતો :