પૃષ્ઠ:Pankaj.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખરી મા : ૯
 

બોલાવ્યા. પતિપત્ની બાળકની પાસેથી ઊઠ્યાં નહિ. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું.

બાળકના માથા ઉપર સતત બરફ મૂકવાનો ડૉક્ટરનો હુકમ હતો. ડૉક્ટરો હુકમ આપતી વખતે હુકમ પળાવાની શક્યતાનો ભાગે જ વિચાર કરે છે. નોકરો બરફ મૂકી કંટાળ્યા, અને બાળકના માથા ઉપર જ ઝોકાં ખાવા લાગ્યા. માતાએ નોકરોને સુવાડી દીધા અને બરફ ફેરવવાનું પોતે શરૂ કર્યું. ફરજ બજાવવા મથતી માતાને એમાં કાંઈ ભારે કામ લાગ્યું નહિ. રાતના બાર વાગતાં સુધી તેણે વગર આંખ મીંચે બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી. પછી તેના પતિએ આગ્રહ કરીને તેને સુવાડી. અને તે પોતે પુત્રની શુશ્રષામાં રોકાયો.

માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી. જરા વાર થઈ અને બાળકે ચીસ પાડી : 'ઓ મા !'

અપરમા પથારીમાંથી એકદમ ઊડીને બેઠી થઈ ગઈ. અણઘડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી.

રાત્રિના એકાન્તમાં ફરી બાળક લવી ઊઠ્યો: 'મા!'

'ઓ દીકરા !' એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહિ; તેને જરા શરમ આવી. તેણે માત્ર એટલું જ પૂછ્યું :

'કેમ ભાઈ ! શું છે?'

બાળકે આંખ ઉઘાડી અને અપરમા સામે જોયું.

'તમે નહિ.' કહી બાળકે આંખ મીંચી દીધી.

'બૂમ પાડી ને ?'

'એ તો માને બૂમ પાડી.' આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું.

'તે હું જ મા છું ને !' માતાએ કહ્યું.

બાળકે ફરી આંખ ઉઘાડી માતા તરફ તાકીને જોયું.

'હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું.'