પૃષ્ઠ:Pankaj.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬ : પંકજ
 

માનવાનાં કારણો મળવાથી પીયૂષને ગુનેગાર ઠરાવી તેને સખ્ત કેદની શિક્ષા કરવામાં આવી.

કેદખાનામાં પીયુષ અને વીણા વચ્ચે પત્રવ્યવહાર થયાનું કોઈ જાણતું ન હતું. કેદમાંથી બહાર નીકળતાં પીયૂષે વીણાને જોઈ ત્યારે તેને નવાઈ લાગી. વીણાને તે ઓળખાતો હોય એવો તેણે દેખાવ પણ કર્યો નહિ. કેદખાનાનાં કપડાં બદલી તે નીચે મુખે બહાર નીકળ્યો. ક્યાં જવું તેના વિચારમાં તે દરવાજા બહાર સહજ ઊભો રહ્યો. વીણાએ પાછળથી બૂમ પાડી.

'પીયૂષ !'

પોલીસને સ્વાધીન થતાં તેણે એ જ બૂમ સાંભળી હતી. પીયૂષે પાછળ જોયું.'

'કેમ ઓળખતો નથી કે શું?' વીણાએ પૂછ્યું.

'મારા જેવો ગુનેગાર તને ન ઓળખે એમાં ખોટું શું ?' પીયૂષે કહ્યું.

'બહુ સારું. તારે મારી સાથે આવવાનું છે.'

'ક્યાં ?'

'આપણે ઘેર. વળી બીજે ક્યાં ?'

'તમારે ઘેર ? હવે કેમ અવાય ?'

'હવે જ અવાય. બાપાજીએ તને લેવા મને મોકલી છે. ચાલ ગાડીમાં બેસી જા.'

'પણ...'

'પણ બણ નહિ.' વીણાએ પીયૂષનો હાથ ઝાલી બળજબરાઈથી તેને ગાડીમાં બેસાડી દીધો. વીણા તેની જોડમાં બેસી ગઈ. ગાડી ચાલી, અડધા રસ્તા સુધી કોઈ કશું બોલ્યું જ નહિ, વીણા અબોલ હતી તે અકળાઈ. તેણે પૂછયું :

'આ ત્રણ વરસમાં વીણા યાદ આવી હતી એકે વખત ?'

પીયૂષે સહજ હસી બાજુએ જોયું.