પૃષ્ઠ:Pankaj.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪: પંકજ
 

કવચિત્ એકાન્ત મળતાં ઉતાવળું આપનાર અને લેનાર એ બે જ જાણે એવું ચુંબન – જે 'કીસ'ના હળવા નામથી બહુ પ્રચાર પામતું જાય છે તે સ્ત્રીપુરુષ મિત્રોના સંબંધમાં હવે સકારણ આગળ પડતું સ્થાન મેળવે છે.

જયા અને ભગીરથ, સુકન્યા અને પ્રભાકર એ ચારે મિત્રો ભેગાં મળતાં ચારે જણને અપૂર્વ આનંદ ઉપજ્યો. પ્રથમ તો ચારે જણ સાથે જ ફરવા જતાં અને લોકોનું ધ્યાન ખેંચાય એટલો ઉત્સાહ દર્શાવતાં. મૂંગા પ્રભાકરને જયા ખૂબ પજવતી. એને ચોંકાવવા તેનો હાથ પકડીને અગર તેને ખભે હાથ મૂકીને તે ચાલતી ત્યારે પ્રભાકરનું લાલ બની જતું મુખ જોઈ સહુને બહુ મઝા આવતી.

અલબત્ત, ભગીરથ અને સુકન્યા બન્ને મિજબાન હોવાથી મહેમાનની કાળજી રાખવામાં તેઓ જરા પણ કચાશ રાખતાં નહિ. એક પ્રસંગે પ્રભાકરની મોડી રાત સુધી મશ્કરી ચાલતાં હસતી સુકન્યાને ખ્યાલ આવ્યો કે પ્રભાકર ધપ્પાખાઉ ઠળિયો નહિ પણ માનવંતો મહેમાન છે. તે એકાએક બોલી ઊઠી :

'હવે બસ થયું. ચાલ પ્રભાકર, સુઈ જા.' મિત્રો વચ્ચે તેમ જ પતિ પત્ની વચ્ચે એકવચનનો વહેવાર બહુ ચલણી બનતો જાય છે.

પ્રભાકર ઉભો થયો. જયા બોલી :

'પ્રભાકરને હાલાં ગાજે. નહિ તો એને ઊંધ નહિ આવે.'

'જરૂર પડશે તો તેમ પણ કરીશ. આખો દિવસ બિચારાને હેરાન કરો છો તે ! ' કહી સુકન્યા દયાભાવ દાખવી પ્રભાકરનો હાથ પકડી તેને ઓરડાની બહાર ખેંચી ગઈ.

'જયા ! હવે તું યે સૂઈ જા. બોલતાં થાકતી પણ નથી.' ભગીરથે કહ્યું. તે સુકન્યાએ પ્રભાકરનો હાથ ખેંચી ઓરડા બહાર જતાં સાંભળ્યું.

પ્રભાકરનું મુખ સહેજ ઊતરેલું લાગ્યું. સુકન્યાએ વાર્યું કે એ બિચારા ઓછાબોલા પુરુષને બહુ અન્યાય થાય છે.