પૃષ્ઠ:Pankaj.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨ : પંકજ
 

મનને વારતો.

'એ ન બોલે પછી હું શાની બોલું ?' સુકન્યા પણ પોતાની વાચાળતાને વારતી.

ન બોલવાનું કષ્ટ પણ અસહ્ય છે. બોલાઈ જવાની અનેક ક્ષણો આવતી. પરંતુ વીરવીરાંગના સદા ય સચેત રહે છે.

'શું સ્ત્રી માટે મારે પહેલું બોલવું, એમ? એ નહિ બને. સ્ત્રીજાતિના હક્ક હું સમજું છું.' સુકન્યા વિચારતી અને બોલવાની તક જતી કરતી.

'મારે એની ખુશામત કરવાની શી જરૂર ? એને ગરજ હશે તે એ બોલશે.' ભગીરથ વિચારતો. પુરુષની કઠણાશ હજી ગઈ નથી.

અલબત્ત, બોલવાની જરૂર અને ગરજ પ્રત્યેક ક્ષણે બન્ને માટે વધારે અને વધારે તીવ્ર બનતી જતી હતી, અને કદાચ બન્નેથી એકી સાથે બોલાઈ જવાય એવી પરિસ્થિતિ પણ ઊભી થતી. પરંતુ પ્રથમ ઉચ્ચાર થઈ જવાના અપમાનભયમાં સમાન હક્કનો સંભવિત અકસ્માત અટકાવી દેવામાં આવતો. કદાચ બન્નેથી સાથે ન જ બોલાયું તો ? પહેલું બોલાયાનું અપમાન કેમ વેઠાય?

વળી ઝઘડાને અને સમયને પણ ગાઢ સંબંધ છે. ઝઘડા દિવસે દીપી ઊઠે છે. જે સમૂળા ઓસરી ન જાય એ પતિ પત્નીને સીધાં ઈસ્પિતાલમાં જ મોકલી દેવા જોઈએ. ભગીરથ અને સુકન્યાનાં હૃદય રાત પડતાં હળવાં બની ગયાં, મધરાત થતાં લગભગ પીગળી ગયાં, અને પાછલી રાતે તો જાણે બન્ને હૃદયો એક બની જશે એમ લાગ્યું.

પરંતુ જેમ દેશને ખાતર મરનાર વીરો મળી આવે છે તેમ સ્વમાનને ખાતર મરનાર પતિપત્ની પણ મળી આવે છે. યોગીને પણ અસાધ્ય એવો સંયમ જાળવી બન્નેએ કવિતામાં અમર થાય એવું સ્વમાન સાચવી રાખ્યું, અને અપાર પ્રલોભનો વચ્ચે થઈને તેમણે તેમનું અબોલાનું વહાણ રાત્રે સુરક્ષિતપણે હંકાર્યું. આમ તેમણે પતિ પત્ની વચ્ચેની એક અશક્યતાને શક્ય કરી.