પૃષ્ઠ:Pankaj.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪ : પંકજ
 

તેનું હૈયું હાથ રહ્યું નહિ. પ્રચંડ પ્રયત્નો વડે સાચવી રાખેલી સ્થિરતા હાલી ગઈ અને એકાએક તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ખાળ્યાં ખળાય નહિ એવા આંસુપૂરમાં તેનું સ્વમાન વહી ગયું અને સ્વમાનનું સ્થાન સ્વામીએ લીધું. ભગીરથ વગર રહેવાશે જ નહિ એવી સુકન્યાને ખાતરી થઈ. મેજ ઉપર ભગીરથે મૂકેલો પત્ર તેણે વાંચ્યો. પિતાના એક મિત્રને ત્યાં તે ચાલ્યો જતો હતો એટલી જ ટૂંકી હકીકત તેણે પત્રમાં લખી હતી. પ્રભાત થતાં જ તે પત્રમાં લખેલે સરનામે જાતે જ જવા તૈયાર થઈ.

સ્ત્રીપુરુષના સમાન હક્ક હોવા જોઈએ, છતાં વસ્ત્રાલંકારની બાબતમાં પુરુષવર્ગ સ્ત્રીના ત્રણગણા હક્કનો સ્વીકાર જગતભરમાં કરે છે. પુરુષને એક નાની બૅગ વડે ચાલી શકે; ત્યારે સ્ત્રીથી ત્રણ ટ્ર્ંકો વગર મુસાફરી થાય જ નહિ. નોકરની પાસે ગાડી મંગાવી તેમાં સર સામાન મુકાવી સુકન્યા ગાડીમાં બેઠી. પરંતુ ગાડી ચાલે તે પહેલાં જ તેને યાદ આવ્યું કે એક મહત્ત્વની વસ્તુ તે ભૂલી ગઈ છે. તે ઝડપથી ઘરમાં ગઈ અને એક પેટીમાંથી ભૂલાયલી વસ્તુ લઈ ઓટલે આવી. જેવી પગથિયાં ઊતરવા વિચારતી હતી તેવું જ તેણે નવાઈ જેવું દ્રશ્ય જોયું. ભગીરથ બહુ જ ઝડપથી દરવાજામાં પ્રવેશ કરતો હતો.

સુકન્યા સ્થિર ઊભી રહી. ભગીરથને જોઈ તેણે વસ્તુસંતાડવા હાથની મુઠ્ઠી વાળી દીધી. અને તે સાથે જ તેના સ્વમાનમાં પાછો જીવ આવ્યો. ભગીરથને જોઈ ચમક અને આનંદ અનુભવતી પત્ની આનંદને અને આવકારને અંકુશમાં રાખી શકી. ભગીરથ ક્ષણ બે ક્ષણ સુકન્યા સામે જોઈ રહ્યો. સુકન્યાના પગ આગળ લેટી પડવાની તેની તૈયારી તેની આંખમાં દેખાઈ. પરંતુ ગર્વ ઘેલડી સુકન્યાએ પોતાની આંખ ફેરવી લીધી, અને ગુમાનમાં બાજુએ ફરી ઊભી રહી.

ભગીરથ ધરની અંદર ધસ્યો. પોતાના મેજનું એક ખાનું તેણે ઉઘાડ્યું અને ખાનાના ખૂણામાંથી એક નાનકડી પતાકડી કાઢી