પૃષ્ઠ:Pankaj.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાઈ : ૧૯૫
 

સંગ્રહસ્થાનમાં રંગરાગ રચાવી, નિર્માલ્ય, નિર્બળ પશુખેલનમાં રાચતા રાજકુમારો ને રાજાઓનો તેને અત્યંત તિરસ્કાર હતો. તે સ્વચ્છ, શુદ્ધ, આહ્લાદક, પહાડશૃંગની ઊંચાઈ સરખો એકલ અને ઉન્નત પ્રેમ માગતો હતો. માટે જ તે હજી સુધી અવિવાહિત હતો. તેણે ઈછ્યું હોત તો અનેક માનવીઓની માફક પત્નીઓ અને ઉપપત્નીઓના તે તબેલા રચાવી શક્યો હોત.

'પદ્માવતી ! એક ક્ષણ થોભો. આપના પિતા મારા શુભેચ્છક છે. વડીલ છે. શા માટે મને અજાણ્યો ગણો છો?'

પદ્માવતી પાછી વળી અને દૂરથી જ તેણે જવાબ આપ્યો :

'આપે મને અજાણી ગણી, એટલે હું બીજું શું કરી શકું?'

'એમ નહિ. મને ભય લાગ્યો કે કદાચ આપને જ લગતો સંદેશો આપ સહન નહિ કરી શકો'

'સહન કરી શકીશ. હું કદી ભય પામતી નથી.'

વિજય જરા શાન્ત રહ્યો. આવી નિર્ભય રાજકુમારીને સર્વ રાજગુહ્ય સોંપી શકાય એમ તેને લાગ્યું. તેના મનમાં એક વિચિત્ર કલ્પના પણ થઈ. પદ્મા કદાચ પત્ની બને તો ? શું ગૃહસ્થ કે રાજ્ય રહસ્ય તેનાથી તેના પતિ છાનું રાખી શકે ? પદ્મા પૂતળી ન હતી. રાજ્ય સ્થાપવાની અને ઉથાપવાની શક્તિ ધરાવતી એક જોગમાયા હતી.

'હું કહું. આપના લગ્નનો સંદેશો હતો.' વિજયે જરા અટકીને કહ્યું,

'મારું લગ્ન? ક્ષત્રિયાણી તો સ્વયંવર કરે.'

'આપને સ્વયંવર નહિ થાય.'

'કેમ ?'

'નવાબ અહમદખાન આપના હાથની માગણી કરે છે.'

'એ ભલે માગણી કરે. હાથ આપવો ન આપવો મારી મરજીની વાત છે.'