પૃષ્ઠ:Pankaj.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાઈ : ૨૦૧
 


'નવાબસાહેબે મને મિત્ર લેખવો જોઈએ.' રાજસિંહે વિનતિ કરી.

'નવાબના હુકમને હસી કાઢનાર શૂળીનો મિત્ર થઈ શકે–મારો નહિ. અહીં જે હોય તેને કેદ કરો.' નવાબે આજ્ઞા આપી.

જોતજોતામાં રાજસિંહ, પદ્મા, બ્રાહ્મણો, પ્રધાન અને રક્ષકો કેદ પકડાયાં. પદ્માએ આત્મહત્યા કરવા ઉપાડેલી તલવાર તેના હાથમાં જ રહી અને તે પોતાના દેહને નુકસાન ન કરી શકે એવી રીતે તેને સૈનિકોએ બાંધી.

'બહાર બે શૂળી ઊભી કરો અને રાજસિંહ તથા વિજયસિંહને શૂળી પાસે હાજર રાખો.’ નવાબનો હુકમ થયો.

સહુની ખાતરી થઈ કે પદ્મા નવાબ સાથે લગ્ન નહિ કરે તો રાજસિંહ અને વિજયસિંહને શૂળી ઉપર ચડવું પડશે જ.

બહાર મેદાનમાં જોતજોતામાં બે ચમકતી શૂળીઓ ઊભી કરવામાં આવી. સૂર્યનો પ્રકાશ એ હિંસક હથિયારને ઝગારે ચડાવી રહ્યો હતો. પદ્માવતી નવાબ સાથે લગ્ન કરશે નહિ એ ચોક્કસ હતું; અને નવાબ રાજસિંહ તથા વિજયંસિહને શૂળીએ ચડાવ્યા વગર રહેશે નહિ એ પણ એટલું જ ચોક્કસ હતું.

નવાબને એક નોકરે આવી ખબર આપી :

'ખુદાવંદ, શૂળીઓ તૈયાર છે.'

'ઠીક, રાજસિંહ અને વિજયસિંહ ક્યાં છે?'

'મેદાનમાં શૂળી પાસે.'

‘વારુ. પદ્માવતીને ઉપર ઝરૂખે ઊભી રાખો. હું અને પદ્માવતી સાથે સાથે જ એ શૂળીપ્રયોગ જોઈશુ.'

'જી.'

કહી સૈનિકો પદ્માવતીને દરબારગઢના ઝરૂખા ઉપર લઈ ગયા.