પૃષ્ઠ:Pankaj.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાઈ : ૨૦૩
 

ઊભો હતો ! કૂદી પડવું પણ હવે અશક્ય થઈ પડ્યું.

'પદ્મા !' નવાબનો અવાજ તેને કાને અથડાયો. એ કંઠમાં મીઠાશ હતી.

પદ્માએ કાંઈ જવાબ ન આપ્યો : નવાબ સામે જોયું પણ નહિ. 'તું જોઈ રહે એટલે મને કહેજે.' નવાબે થોડી ક્ષણ પછી કહ્યું.

પદ્મા એકાએક નવાબની સામે ફરી અને ઉગ્રતાથી તેણે કહ્યું :

'હું જોઈ રહી.'

'તો હવે કહે. પહેલી શૂળી કોને આપું ?'

'તમે મુસ્લિમ ક્રૂર છો.'

'કેમ ?'

'એક સ્ત્રીને મેળવવા આવી ઘોર હિંસા કરો છો.'

'સ્ત્રી માટે હિંસા કરનારા હિંદુઓનાં નામ હું ગણાવું?'

પદ્મા વિચારમાં પડી. સ્ત્રી માટે મુસ્લિમો જ નહિ, પણ હિન્દુઓ યે ઘોર હિંસા કરતા હતા તેની ના પડાય એમ ન હતું.

'મારી માગણી સ્વીકાર. હું રાજસિંહ અને વિજય બન્નેને છોડી દઈશ.' નવાબે ધીમેથી કહ્યું.

'એ બંનેને પૂછો. તમારી શરત પ્રમાણે તેઓ જીવતા રહેવા માગે છે?' પદ્માએ કહ્યું.

'પણ ધારી લે કે તેમણે મારી શરત કબૂલ રાખી. પછી ?'

'પછી શું કરવું એ નક્કી ત્યારે કરીશ.' પદ્માએ કહ્યું.

નવાબ અહેમદખાને સ્મિત કર્યું. એના સ્મિતમાં ક્રૂરતા ન હતી. વાત્સલ્યની કુમાશ એ સ્મિતમાં જોઈ પદ્મા સહજ ચમકી.

'ચાલ, આપણે પૂછી નક્કી કરીએ.' નવાબે કહ્યું. અને તેમણે આગળ પગલાં મૂક્યાં. કટારથી નવાબને ભેદી શકાય એમ હતું; પરંતુ એ કટાર નવાબ માટે હતી ? નવાબના દેહ માટે કટારનો ઉપયોગ થાય તો પદ્માએ પોતાને માટે શી સગવડ કરવી ? અને...