આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પોલીસથાણામાં દોડતો શ્વાસભર્યો માણસ આવી ઊભો રહ્યો, અને પોલીસ અમલદારે ધાર્યું કે કોઈના ખૂનની ખબર આવી.
'સાહેબ ! સાહેબ ! ' માણસથી આગળ બોલી શકાયું નહિ.
'અરે પણ છે શું? આટલો ગભરાય છે કેમ ? ' અમલદારે કહ્યું,
'આપ જલદી કરો. મારી સાથે આવો.'
'તારી સાથે શા માટે આવું ? તને કોઈ મારી નાખે છે?'
'મને તો નહિ; પણ કોઈકને તો મારી નાખશે.'
'કોઈ મારી નાખશે ? કોને મારી નાખશે? શા માટે મારી નાખશે? એ તું નહિ જણાવે ત્યાં સુધી હું શું કરી શકું?'
'હું આપને મકાન બતાવું અને માણસ બતાવું.'
ખબર આપનાર મનુષ્યના મુખ ઉપર ખરેખર ભય હતો. તે પોલીસને ખોટી ખબર આપવા આવ્યો ન હતો એમ તેના દેખાવ ઉપરથી પોલીસ અમલદારને સમજાવ્યું,
'તારું નામ શું ?' અમલદારે પૂછ્યું,