પૃષ્ઠ:Pankaj.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮: પંકજ
 

'ત્યારે ભેટ આપવાના છે?' આંખો ચમકાવી હસતે મુખે નીલમગૌરી પૂછ્યે જતાં હતાં.

'ના જી, એ તો આપના લહેણા છે.'

“મારા લહેણા? મને ખબર નથી.'

'ભાઈના વસિયતનામામાં એ લખેલું છે.'

'રશ્મિએ એક દસ્તાવેજ જેવો લેખ કાઢ્યો. તેના પિતાએ પોતાનું વસિયતનામું કરેલું, તેમાં એક કલમ એવી પણ હતી કે :

'વીસ હજાર રૂપિયા રામરાયના માગણા પેટેના આપવા બાકી છે. તે વહેલી તકે તેમનાં પત્ની અગર જો તેની હયાતી ન હોય, અથવા તેઓ લેવાની ના પાડે, તો તેમની પુત્રી સુરભિને આપવા.'

સુરભિ શબ્દોનો ઉચ્ચાર કરતાં રશ્મિનો કંઠ થડક્યો. સુરભિ પગના અંગૂઠા તરફ નિહાળી રહી. નીલમગૌરી ધીમેથી બોલ્યાં :

'રશ્મિ ! અમારું લહેણું તો અમને મળી ગયું છે.'

'કેવી રીતે? આ લેખમાં તો લહેણું છે એમ નીકળે છે !'

નીલગૌરીએ પૂર્વ ઈતિહાસ ઉકેલ્યો.

રણજિતરાયને એક વખત પાંચ હજાર રૂપિયાની ખાસ જરૂર પડી; ધંધાની શરૂઆત હતી. જો એ પાંચ હજાર રૂપિયા તે વખતે ન મળ્યા હોત તો તેઓ ધંધો આગળ વધારી શકત નહિ. રામરાયે ખરા મિત્ર તરીકે ગમે તેમ સગવડ કરી પાંચ હજાર રૂપિયા તેમને આપ્યા.

બેત્રણ વર્ષે રામરાયને વ્યાજ સાથે એ રકમ રણજિતરાય પાછી આપવા આવ્યા. રામરાયે વ્યાજની રકમ લીધી નહિ. રણજિતરાય પિતાના મિત્રનો ઉપકાર ભૂલે એવા નહોતા. વ્યાજની રકમ તેમણે રામરાયના માગણા તરીકે વ્યાપારમાં રોકી, અને તેમાંથી સારી રકમ ઉભી કરી. રામરાયના જીવતાં એકબે વખત તેઓ દસબાર હજારની રકમ આપવા આવેલા; રામરાયે ત્યારે તેની ના પાડેલી.