પૃષ્ઠ:Pankaj.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુનર્મિલન : ૩૫
 

તેણે સાંભળી હતી. અનિચ્છાએ પણ તેનાથી એમની વાતો તરફ ધ્યાન આપી દેવાતું. પરંતુ વિનોદરાય કોઈ પણ સ્ત્રીનો સંબંધ કે મૈત્રી સેવતા હતા એવી વાત તેણે તેમના દુશ્મનોને મુખે પણ સાંભળી નહોતી. એ કોની છબ્બી હશે ?

'મારે શું ? જેની હશે તેની !' કહી રમા મુખ ફેરવી બેઠી.

જિજ્ઞાસા તૃપ્તિ માગે છે. રમાના હૃદયમાં જિજ્ઞાસાએ ખટકારો શરૂ કર્યો. એ ખટકારો છેવટે અસહ્ય બન્યો.

‘લાવ, જોઉં તો ખરી? મારી ખોટ પૂરનાર કોઈ હતું એમ જાણીશ તો – તે – મને સુખ થશે.'

રમાએ ઊઠીને છબી નિહાળી. છટાભરી, રૂપાળી, મદભર, કોડ ભરી, એ કોણ યુવતી હશે? ક્ષણભર રમાએ સંશયભરેલી દૃષ્ટિએ જોયું અને એકદમ તે પાસે પડેલી ખુરશી ઉપર બેસી ગઈ. તેનો વિચારવમળ એટલા બળથી ફરી રહ્યો હતો કે તેને તમ્મર આવ્યાં, અને તેણે આંખ ઉપર હાથ મૂકી દીધા.

થોડી ક્ષણો પછી તેણે આંખ ઉપરથી હાથ ખસેડ્યા. તેનાથી બોલી જવાયું :

'આ છબી તો મારી !'

ફરીથી ખાતરી કરવાને તે મેજ પાસે ગઈ. પોતાની છબી એ ન હોય એમ માનવા તેણે સહેજ મંથન કર્યું, પરંતુ છબી તેને જૂઠું બોલવા દે એમ નહોતી. અલબત્ત, એ છબી પંદર વર્ષ ઉપરની હતી એ ખરી; પરંતુ એ છબી રમાની પોતાની હતી એમાં તો રમાથી યે ના પાડી શકાય એમ નહોતું.

વળી એ છબીની આગળ એક બે દિવસનું કરમાયલું ગુલાબનું ફૂલ પડ્યું હતું.

'શું એ છબીને રોજ ફૂલ ચડાવતા હશે ?' રમાનું હૃદય પ્રશ્નનો સ્થિરતાથી જવાબ મેળવે તે પહેલાં એક વિદ્યાર્થીએ ઓરડામાં પ્રવેશ કરી કહ્યું: