પૃષ્ઠ:Pankaj.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુનર્મિલન : ૪૧
 


રમાને એ બધું યાદ આવ્યું. તેની આંખ આગળ એ પ્રસંગનું દ્રશ્ય ચીતરાઈ રહ્યું. વિનોદરાય શું એ જૂનું ઝેરભર્યું સૂચન કરતા હતા ? કે જીવને ભગ્ન કરનાર પ્રસંગ માટે પશ્ચાત્તાપ કરતા હતા ? રમા એકદમ ઊઠી બીજા ઓરડામાં ચાલી ગઈ. મન મોકળું મૂકી તે રડી. તેના હૃદયમાં એક કરાલ નિશ્ચય જાગ્યો. તેણે પોતાનાં કપડાં પહેરી લીધાં અને વિનોદરાય પાસે આવી કહ્યું :

'ત્યારે હું હવે જાઉં છું.’

'કયાં?' ચમકીને વિનોદરાયે પૂછ્યું.

'મારા પિતાને ઘેર.' રમાં દૃઢતાથી બોલી; છતાં તેનું હૈયું કંપતું હતું.

વિનોદરાયના મુખ ઉપર એકદમ આવી ગયેલી ફિક્કાશ રમાએ જોઈ. અપમાન વેઠીને પણ પતિની પાસે રહેવાનું તેને એક ખૂણે મન થયું. પરંતુ પતિના કહ્યા વગર–બોલાવ્યા વગર રમા આવી હતી. એ પ્રસંગ અનિવાર્ય હતો. શા માટે તે પોતાનો પંદર વર્ષનો નિશ્ચય તોડે ?'

'મારી સારવાર કરી મને જીવંત રાખ્યો તે બદલ આભાર માનું છું.'

આમ આભાર માનવાની કૃત્રિમતાએ રમાના નિશ્ચય ઉપર એક વળ ચડાવ્યો.

'ગાડીનો વખત થવા આવ્યો છે.' રમા બોલી.

'તું જઈશ તે મને ગમવાનું નથી.' વિનોદરાયે કહ્યું.

'કામ હોય ત્યારે બોલાવજો.' રમાએ સહેજ વક્ર વાક્ય કહ્યું અને આગળ ડગલું ભર્યું. પગમાં બ્રહ્માંડનો ભાર આવી ગયો. પગલાં ભરાતાં ન હતાં. તેને કોઈ અહીં બેડીથી બાંધી રાખે તો કેવું સારું? તેને ખેંચી જતા અભિમાનને કોઈ કચરી નાખે તો તેને કેટલું ગમે?

તેણે પતિ સામે ફરી કહ્યું :

'જાઉં છું.'