પૃષ્ઠ:Pankaj.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮ : પંકજ
 

સંભારું છું ત્યારે આજે પણ આંસુ આવે છે. પરંતુ એ આંસુની મને એકલાને જ કિંમત છે. એ તો સ્વર્ગે ગઈ ! એની વાત નહિ કરું. આપના હુકમ મુજબ હું મારા ગુનાને લગતી જ વાત કરીશ. હું જાણું છું કે આપને મારા લવાર સાંભળવાની ફુરસદ નથી.

શેઠાણીની ઈચ્છા મુજબ શેઠે મને આજ્ઞા કરી અને હું બગીચામાં રહેવા આવ્યો. બંગલા પાસેની કોટડી મને તો બંગલા સરખી જ લાગી. પરંતુ મારી પત્નીએ આ સારા રહેઠાણ માટે બહુ ઉત્સાહ બતાવ્યો નહિ.

'બહુ મોટા માણસનો પાડોશ સારો નહિ. આપણે અહીં શોભીએ નહિ.' એમ તેનું કહેવું થયું. તેના કથનને મેં હસી કાઢ્યું, અને ઉત્સાહપૂર્વક હું ત્યાં રહેવા લાગ્યો.

મારે એક દીકરી હતી. સાતેક વર્ષ તેને થયાં હતાં. શેઠને પણ લગભગ એવડી - ઉમરની દીકરી હતી. મારી દીકરીનું નામ સરિતા; શેઠની દીકરીનું નામ પ્રિયબાળા. અહીંથી હવે મારા ગુનાની ખરેખરી વાત શરૂ થાય છે.

પ્રિયબાળા કરતાં સરિતા ઓછી દેખાવડી ન હતી. માબાપની નજરે કયું બાળક કદરૂપું લાગે છે? બાળકો બહુ ઝડપથી મિત્ર બની શકે છે. સ્થિતિનો તફાવત આ ઉંમરને અદ્રશ્ય હોય છે. સરિતા અને પ્રિયબાળા કોણ જાણે કેવી રીતે પરસ્પરનાં મિત્રો બની ગયાં. જ્યારે ત્યારે હું તેમને બગીચામાં કે બંગલામાં ભેગાં રમતાં નિહાળતો અને ખુશ થતો.

પરંતુ હવે લાંબો વખત ખુશ રહેવાને સર્જાયો નહોતો. બંગલાના એક વિશાળ ખંડના એક ખૂણામાં બેસી શેઠે આપેલાં શેરનાં કાગળિયાં જોઈ હું વ્યાજ ગણતો હતો. શેઠ અને શેઠાણીને મારા ઉપર એટલો વિશ્વાસ બેસી ગયો હતો કે તેમની તિજોરી કે દાગીનાની પેટીની કૂંચી ઘણી વખત મને સોંપાતી; શેઠ દૂર એક સેફા ઉપર પડ્યા પડ્યાં છાપું વાંચતા હતા. જોરભેર ખંડનું બારણું ઊઘડ્યું.