પૃષ્ઠ:Pankaj.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુનાની કબૂલાત : ૬૧
 


શેઠાણીને જવાબ આપવા માટે મારા હૃદયમાંથી અનેક શબ્દો ઊછળી આવ્યા. પરંતુ મારી જીભને ખબર હતી કે મારું પોષણ શેઠે આપેલા પગારમાંથી થતું હતું. હું સરિતાને ઊંચકી પાછો ફર્યો. પાછળથી મેં શેઠાણીને બોલતાં સાંભળ્યાં :

'શુ લડાવી મૂકી છે છોકરીને? એક અક્ષર પણ એને કહેતો નથી.'

અને ખેર, મેં સરિતાને એક અક્ષર પણ કહ્યો નહિ. શા માટે કહું ? તેને શેઠના બંગલામાં પેસવાની મનાઈ કરી નહોતી. છતાં મારી પત્નીએ જરા કડક ઢબે રોતી સરિતાને કહ્યું :

'હવે પ્રિયબાળા સાથે રમીશ નહિ.'

'હું મારી મેળે રમવા જતી નથી. પ્રિયબાળા જ મને બોલાવે છે.'

'એ બોલાવે તો ય તું જઈશ નહિ.'

એકાદ દિવસ શાન્તિ રહી. મને અગર મારી દીકરીને આપેલું અપમાન એ અમારી માલિકી હતી. એમાં શેઠાણીને શું ? કાંઈ ન બન્યું હોય એમ તેઓ પ્રથમની માફક મારી સાથે વાતો કરતાં અને હુકમો પણ આપતાં. તેમણે કહેલા બોલમાં અપમાન રહ્યું છે કે કેમ તેનો પણ કદાચ તેમને ખ્યાલ નહિ હોય. પરંતુ જગતના ધનિકો તેમના આશ્રિતોને તેમના બોલથી અને તેમની રીતભાતથી સતત વીંધ્યે જ જાય છે એ તેમને કોણ સમજાવે?

બીજે દિવસે સાંજે શેઠાણી અને પ્રિયબાળા ફરવા જતાં હતાં. મારી દીકરી એારડીના ઓટલા ઉપર રમતી હતી. પ્રિયબાળાએ તેને બૂમ પાડી :

'સરિતા !'

છોકરીએ તેની સામે જોયું, પરંતુ માની શિખામણ પ્રમાણે તે કશું બોલી નહિ. ઊલટી તે ઘરમાં આવતી રહી. આખો બગીચો સાંભળે એવા મોટા અવાજે શેઠાણી બોલ્યાં :

'શો ઘમંડ છે આવડી છોકરીને ? ના બોલે તો ના બોલાવીશ !