પૃષ્ઠ:Pankaj.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુના પાયા : ૭૩
 


'ક્યાં સુધી તૈયારી કરી છે?'

‘એ તો જેવું કામ ! અને જેવું સાહેબનું ફરમાન.'

'બોલો ત્યારે મિસ્ત્રી, કયા કામે તમે મદદ આપશો ?'

'આપ જ ફરમાવો.'

'જુઓ, દવાખાનું તો છે જ. હાઈસ્કૂલનું મકાન થઈ ગયું. પ્રસુતિગૃહ બંધાય છે. ગામમાં શું નવું કરીશું?' સાહેબે પૂછ્યું. દરેક સાહેબને નવીનતાનો શોખ હોય છે. બીજાઓ જે કરી ગયા હોય તે કરતાં કંઈ નવીન કાર્ય કર્યા વિના પોતાનું નામ જળવાય નહિ, એવી સાહેબોને ભીતિ રહે છે. આ નવીનતાના અમલદારી શોખને લીધે શહેરને નવાં નવાં રમકડાં મળે છે, ધનવાનોને ઈલકાબ મળે છે, અને સાહેબને કીર્તિ મળે છે.

જયરામ મિસ્ત્રીની આંખ ક્ષણભર તીક્ષ્ણ બની. વિચિત્ર રીતે બેઠેલા મિસ્ત્રી જરા ટટાર થયા. તેમના અવાજમાં દ્રઢતા દેખાઈ, તેઓ બોલ્યા :

'સાહેબ, આમ તો શહેરમાં બધું યે છે. જેનાથી જે બન્યું તે કરાવ્યું. પણ એક ભારે ખોટ રહી ગઈ છે.'

'શી ?'

'સાહેબ, હું તો ગામડિયો. મકાનો અને રસ્તા બાંધી જાણું. બીજું ત્રીજું ન આવડે. મને ઘેલો ન ગણી કાઢો તો મને લાગતી ખામી કહું.'

'કહો, બહુ ખુશીથી કહો.'

'સાહેબ, ગામમાં બધું છે, પણ બગીચો નથી. આખું મોં છે. પણ નાક નથી.'

'તમારું કહેવું ખરું છે મિસ્ત્રી. શહેરમાં એકે સાર્વજનિક બાગ નથી. મને પણ એ જ વિચાર આવ્યો હતો.'

'તો સાહેબ, આપણે એક રૂપાળો બગીચો બનાવીએ, અને તેને આપનું મુબારક નામ આપીએ.'