પૃષ્ઠ:Pankaj.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬ : પંકજ
 

મંજૂર થાય છે તેમ આ પણ મંજૂર થઈ.

હરિવલ્લભ શેઠના ગુસ્સાનો પાર ન હતો. તેમણે હવેલી ન લેવાય એટલા માટે આકાશ પાતાળ એક કર્યાં. વકીલોની કાયદેસર સલાહ લીધી. કજિયા દલાલોની ભાંજઘડિયા સલાહ લીધી. પરંતુ તેમને કોઈએ સાથ આપ્યો નહિ. અલબત્ત, હરિવલ્લભ શેઠને પૈસે લડવાને સહુ કોઈ તૈયાર હતા. પરંતુ એ લડાઈનું પરિણામ જીતમાં આવે એવી કોઈને ખાતરી થતી નહિ. તેમની ભારે તજવીજ - જેને સામાવાળા ખટપટ કહેતા હતા તે - કદાચ આખા કામને ઉથલાવી નાખે એવા ભયથી તેમને બહુ સાથ ન મળે એવી તજવીજ - ખટપટ નહિ – સાહેબે રાખી જ હતી.

જમીન અને હવેલી લેવાનો હુકમ થતાં બરાબર હરિવલ્લભ શેઠે સરકાર સામે દાવો માંડવા સૂચના આપી. કલેક્ટરને લાગ્યું કે હવે તેમને સમજાવવાથી – અને સહેજ ધમકાવવાથી – શેઠ આગળ પગલાં લેવાનું બંધ રાખે એ પ્રયત્ન કરી જોવો. કલેક્ટર સાહેબે શેઠને ચા પીવા બોલાવ્યા. સાહેબ વિરુદ્ધ ઘણી કડવી ફરિયાદ હોવા છતાં તેમના આમંત્રણને પાછું ઠેલવાની બેઅદબી શેઠે કરી નહિ.

ઠરેલે વખતે શેઠ આવ્યા. સાહેબે બહુ વિવેકભર્યો આવકાર આપ્યો. એટલું જ નહિ, પણ પોતાના મંડળ સાથે શેઠની ઓળખાણ કરાવી. ચા પીને કલેક્ટર સાહેબે વાત શરૂ કરી :

'શેઠ સાહેબ ! તમે તો સાર્વજનિક કામમાં સારો ભાગ લેતા આવ્યા છો.'

'આપ એ જાણો છો આપની મહેરબાની.' શેઠ સાર્વજનિક કામનો ઉલ્લેખ સાંભળી છંછેડાયા.

'અને તમે સુધરાઈના સભ્ય પણ ઘણા વખતથી છો.'

'હા, જી. બની એટલી સરકારની અને લોકની સેવા કરી.'