પૃષ્ઠ:Pankhadio.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નવયૌવના અનિમિષ આંખે જીવનમૃત્યુની ભેદાવલિનાં એ ઉઘડતાં પાનાં નિરખી રહી.

જગત્‌શાણાઓને નથી સ્હમજાયું એ એને ક્ય્હાંથી સ્હમજાય? એની ફાટેલી આંખો ગહનતાને ગહન પ્રશ્નો પૂછતી હતી કે મૃત્યુ એટલે શું ? સ્વામીનાં આયુષ્યનો એ છેલ્લો ભડકો હતો; પત્નીની એ અણહોલવાયેલી ઝાળ હતી.

સ્વામીની ચિતા સન્મુખ એ બાલાનો આત્મા નિજ જન્મભૂમિના ગિરિવર શો દૃઢ થયો.

અગ્નિસાખે દંપતીએ એક પ્રતિજ્ઞા લીધી હતી; અગ્નિ-સાખે આજ પત્નીએ બીજી પ્રતિજ્ઞા લીધી.

માળવામાં પ્રગટેલો એ નવઅગ્નિ પછી સુવર્ણરેખાને ખોળે હોલવાયો.

સુવર્ણરેખાને ખોળે

અગ્નિહોત્રનો અગ્નિ આયુષ્ય સાથે હોલવાય, એમ એ નવ‌અગ્નિ યે એના આયુષ્ય સાથે હોલવાયો.

'મ્હારે નથી જીવવું ' એટલું જ એનું બોલવું હતું.

માળવાના રણપગથારમાં કે વારાણસીના તીર્થઘાટે ગુજરાતસૌરાષ્ટ્રના સીમાડાના ખારા પાટમાં સતીની પેઠે એક જ ઉચ્ચારતી; ' શા માટે મ્હને જીવાડવા મથો છો ? મ્હારે હવે નથી જીવવું.'

૧૧૭