પૃષ્ઠ:Pankhadio.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એકતારાનો એક તાર છેડ્યે બીજો તાર રણકી ઉઠે એમ એણે યે પતિના ક્ષયનો રણકો ઝીલી લીધો હતો.

એ પછી તે હસી નથી; એ પછી ત્હેણે આનન્દવર્ણું વસ્ત્ર પહેર્યું નથી.

એનું શેષ જીવન એક અખંડ ભડભડતી સતીની ચિતા સરિખડું હતું.

એની આંખડલી આભની પાછળ જ નિહાળતી. આભની આ બાજુની સૂષ્ટિ ત્હેને તો ભૂંસાઈ ગયેલી ભાસતી.

એ ગેબને પૂછતી. ગેબ ઘેરૂં ઘેરૂં હસતી ને ગહનતાનો ઉત્તર આપતી.

મૂક વાણે તે માનવીને પૂછતી; અજ્ઞાન-પત્થર શો-માનવી મુંગો ઉભતો.

દેવીનાં દર્શન કરે તેમ હું ય દર્શન માત્ર કરી રહ્યો હતો : મ્હારી યે વાગીશ્વરી ત્ય્હારે મ્હને તજી જતી હતી.

જન્મમૃત્યુના પડદા પાછળના સનાતન પ્રશ્નોના ઉત્તરદાતા ગહનતાના નજૂમીઓ હજી ધરતીખોળે જન્મે ત્ય્હારે ખરા.

ત્ય્હાં સુધી તો ઉગવું ને આથમવું, અને વચ્ચેની જીવનલીલા, એ જ આંખડલીનાં મહાસત્યો છે ને ?

છેલ્લીવેલ્લી મ્હેં નિરખી ત્ય્હારે સોરઠ ને ગુજરાતની સીમાઓ સંગમ પામે છે ત્ય્હાં ખારાપાટના એક સરોવરિયાના તીરે તે વસતી હતી. જળમાં રમતાં સારસડાંને તે નિહાળતી ને વાદળિયા આભને મૂંગા પ્રશ્ન પૂછતી કે ' હવે કય્હારે ?'

૧૧૮