પૃષ્ઠ:Pankhadio.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એનાં પગલાંમાં હાથીની દૃઢતા હતી; એનાં અંગોમાં સતીનું સત હતું; એની મુદ્રામાં સૂર્યની ઉગ્રતા હતી.

એની ઊંડી ઉતરેલી આંખોમાંથી અખંડ બે મશાલો સળગતી દેખાતી. એ બે એનાં આયુષ્યની અખંડ શઘડીઓ હતી.

એનું શેષ જીવન સતીની ચિતા હતું.

કળીએ ને ફૂલડે ફૂલેલી લાડકોડની વસન્તવેલી જેવી જ્ય્હાં તે ઝોલાં ખાતી'તી, પોપટડી જેવી જ્ય્હાં ઉડતી'તી, ને મયૂરી જેવી જ્ય્હાં મ્હાલતી'તી, ને વાછરડી જેવી જ્ય્હાં જીવનનાં ઝાંઝર ઝમકારતી'તી, ત્ય્હાં આજ સંન્યાસિની સમી તે સંચરતી.

એના સંસારરંગ સઘળા યે ઉપટી ગયા હતા.

काम्याणां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः.

જીર્ણ વસ્ત્રો જેવી એની જગત્‌કામનાઓ ઉતરી ગઈ હતી. નિષ્કામનાની તે સાક્ષાત અવતારિણી દીસતી.

પછી તો તે કાળમુખા કાળવાને કાંઠે ગઇ ને સોનરેખને ખોળે સદાયની પોઢી.

ઐહિક જીવનને એમ સંકેલી લીધું.

ગુજરાતનાં કૃષ્ણપ્રાચીન તીર્થજળ આજે યે એની દેહભસ્મથી પાવન થયાં છે.

રાજસતી રાણકદેવડીએ વાવેલી સતીવેલને હજી તો ત્ય્હાં ફૂલ પ્રફુલ્લે છે.

૧૧૯