પૃષ્ઠ:Pankhadio.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઓષધ પાતી, ઢોલિયે ને પારણે ભમરીઓ ને ચકલીઓ મૂકતી, ચિત્ર દેખાડતી, હાલરડાં ગાતી. કોક કોક વેળા પાસે કોક વીણા છેડતું તો કોક મૃદંગ વગાડતું; કોક તાઉસ ને સરોદ સજતું તો કોક જલતરંગને જલતરંગબંસીને જગાડતું. વેણુના સ્વચ્છ મીઠા લલકાર પણ કોક કોમળાંગી સુકોમળ સુરે મનમોહન બોલાવતી. મંડપની મધ્યમાં આરસનાં ફલકો ઉપર દીક્ષિતા દેવીઓ માનસરોવરનો હંસ, મંજરીમાંની કોકિલા, મેઘછાયે નાચતો કલાધર, વિશાલબાહુ મહાભાવ યોધરાજ, કે સ્નિગ્ધનયણી કૌમારશોભના રાજબાલાઃ એવાં રસમધુરાં ચિત્રો આલેખતી. કોઈક સાધ્વીઓ બાલકોને ફળ આપતી, કોઈક સાન્ત્વન દેતી, કોઈક હૃદયે ચાંપતી, કોઈક પાંદડાંને પંખે કે ફૂલડાંને નયનચુંબને બાલકોનાં પોપચાં ઠારતી.

સહુ આનન્દી હતી, સુખવાહિની હતી, કર્તવ્યવિલાસિની હતી.

'પણ આજ એ ક્ય્હાં ગઇ છે?' એક બાલિકાની વેણીમાં મોરપીંચ્છનો ચાક ગૂંથતાં એક સાધ્વીએ પૂછ્યું.

'ગઈ છે તો દયાનો સન્દેશો દેવાને. મંગળા વાગી ત્ય્હારે સ્મશાનમાંથી રુદન સંભળાતું હતું. ઉષા ઉગી ત્ય્હારની એ દિશામાં ગઈ છે. ફૂલના હાર એના અધૂરા છે, ઓષધના બાટલા એના અણભર્યા છે. અમૃતવલ્લીનો આસવ ઘૂંટતી'તી એ યે અધઘૂંટ્યો પડ્યો છે. પંખિણી જેવી પ્‍હરોડિયે આભમાં ઉડી છે.'

૧૪૩