પૃષ્ઠ:Pankhadio.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જગત એવી પંખિણીઓનું વન છે, ઝૂમખે ઝૂમખે ચકોરીઓ ઉડે છે.

નમતો પ્‍હોર નમીને સ્‍હાંજ પડી. વન ઘેરાં થયાં, કુંજ કુમળી પડી. સાધ્વીઓ કરમાયા જેવી થઈ.

ફરીથી ઘંટારવ થયો ને વનમાં જઈ વિશમ્યો.

'દયામૂર્તિઓ ગામમાં જાય, ને સ્નાનમંડળ સરોવર ચાલે.'

વેરાતી પાંખડીઓ શી યુવતિઓ દિશામંડળમાં વેરાઈ ગઈ. જતાં જતાં એક બાળા બોલીઃ હજી યે તે ન આવી.

હરિણીવૃન્દ સમું એક સાધ્વીમંડળ સરોવરકુંજમાં ચાલ્યું; દિગ્‌વાસિની દેવાંગનાઓ સમું બીજિં સાધ્વીમંડળ સુખપુરને માર્ગે પડ્યું. સહુ ઉપર સ્‍હાંજની શીતળતાનાં ફોરાં વરસતાં.

કુંજમાં નિરન્તર કોયલો બોલતી ને કલ્લોલતી.

સાધ્વીઓ જઈ સરોવરમાં પડીઃ ટાઢકની ઉર્મિઓ સમી જલછાલકો ઝીલતી ઝીલતી, પાણીના ફૂવારા ઉડાવતી, નિર્દોષ ક્રીડામત્ત તરવા લાગી. કમળના ડોડલા જેવા વદનસંપુટ સ્‍હાંજની નિષ્કામ તેજની વાદળીઓમાં પ્રભાપૂર્ણ સુહાતા.

'ને હજી યે એ ન આવી !'

વનકુંજનો છાંયડો સરોવર ઉપર પથરાઇને પડ્યો. સાધ્વીઓ જળશીતળ થઈ. પછી પોયણાં જેવી જળનીતરતી સુન્દરીઓ એકે એકે સરોવરમાંથી નીકળી.

૧૪૪