પૃષ્ઠ:Pankhadio.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કપોલસોહવતાં જલઝૂમખાં ખેરવતાં ખેરવતાં એકે કહ્યું: સ્‍હાંજ પડી ને ત્‍હો ય એ ન આવી.

ઓ આવેઃ પેલા આસોપાલવની નીચે. જો-જો પ્‍હણે. કુંજમાં નયન પરોવતી બીજી યુવતી બોલી.

સ્‍હવારવાળી સ્મશાનમાંની એ વ્રતવિહારિણી હતી. સ્‍હાંજનાં તેજ સમું હસતી હસતી એ સરોવરે આવી. વનલીલા, સરોવર, આથમતો સૂર્યરાજ; સહુ જોઇને તે હસી પડી. પછી ક્ષણેકમાં ઘટા શી ગંભીર થઇને બોલીઃ

મ્હારે તરવું છે.

એકે કહ્યું: તર્યાં હવે. આજે કાંઈ નહિ.

એણે કહ્યું: ના, ના; મ્હારે જળમાં તરવું છે.

બીજીએ કહ્યું: ડંકો વાગી ગયો. આજ મોડું થયું. જો, સૂરજ નમે છે.

તે ખડખડાટ હસી પડી.

તું હસે છે શાને? એક સાધ્વીએ પૂછ્યું.

જગત રૂવે છે માટે હસું છું: એણે કહ્યું. પેલું ત્‍હમે જૂવો છો?

શું?

પેલું; પેલા આંબા પાછળનું તેજોમય આભ, ને આભને આંગણે ઉડતું પેલું વિમાન. પેલું, પ્‍હણે, કોયલ બોલે છે એની પાછળ. ને ત્‍હેમાં વિરાજેલા -

બોલતાં બોલતાં નદી સમી તે ગંભીર થઈ ગઈ.

૧૪૫