પૃષ્ઠ:Pankhadio.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યાત્રાનાં આદર્યાં પરિયાણે અધૂરાં રહેશે. આ ધરતી બોલાવતી હશે. અહીં જ અડીંગા હવેઃ આ નિર્જનતાની જનતાને ખોળે.'

એ એક ખાખી હતોઃ વૈરાગ્યનાં ને ભસ્મનાં આભૂષણે શોભતો એ એક અવધૂત ખાખી હતો.

જટાધારી વડલાના થડને અઢેળીને જોગીએ ઠાકોરસેવા પધરાવી. સરોવરમાં સ્નાન કરી જળભર્યું કમંડળું ને ખાલી ખપ્પર ઠાકોરજીનાં ચરણોમાં ધર્યાં, અન્તરમાં કોક બોલતું હતું 'એ ભરાશે ને ઉભરાશે.'

'જવું હતું શહેરમાં ને વસાવ્યો વગડો. જેવા અદૃષ્ટના લેખ આ ચાતુર્માસ તો આ વડલાની છાયામાં જ, આ સરોવરિયાની પાળે જ થશે.'

વનવેર્યાં ઇંધણાં વીણીને જોગીએ ધૂણી ધખાવી, ને અગ્નિની શિખાઓ વચ્ચે અગ્નિદંડ સમો ચીપિયાનો વજ્રદંડ રોપ્યો.

એ વગડાને ખોળે જોગીના અડીંગા પડ્યા.

ગુજરાતની ઝાડીઓ ઢોળાઈ જઈ વગડાનો સાગર પાળે ઉછાળા મારે છે, ને વગડાનાં ઝાંખરાં યે ધરતીમાં ડૂબી જઈ ધૂળઢગલા ને ખારાપાટના રણપગથારનો સમુદ્ર પથરાય છે એવા ગુજરાતને ઉત્તરઆરે એ સરોવરિયું હતું. દ્વીપ ફરતી જળરેખા દોરી હોય એવી સરોવર ફરતી ઝાડી હતી. ઝાડી ન્હાની હતી, પણ ઝુંડ ઘેરાં હતાં. ઝુંડ વચ્ચે

૧૬૬