પૃષ્ઠ:Pankhadio.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સિંહાસન સમો વડલો હતો. એ વડછાયામાં રમતા રામ સમા જોગી પધાર્યા, પડેલાં ઇન્ધન વીણી ધૂણી ધખાવી, વનચોકમાં ચીપિયાનો વજ્રદંડ રોપ્યો. વગડાની પાળના એ ઝુંડમાં ચાતુર્માસ ગાળવાનો જોગીએ સંકલ્પ કીધો.

જોગીને પગલે વગડામાં હવેલીઓ મંડાશે એનાં જગતને ત્ય્હારે સ્વપ્નાં યે નહોતાં.

ખાલી ઝોળી, વજ્રવર્ણો ચીપિયો, વજ્રકછોટા શો લંગોટ, ખપ્પર ને ઠાકોરજીઃ જોગીની એ રિદ્ધિસિદ્ધિ હતી. પાનાંપુસ્તક એકતારો રાવણહથ્થો માળા કે આરતી - સહુ સાધનસૂનો એ ખાખી હતો. ખાલી હાથ એના કલ્પલતા જેવા હતા, ઉઘાડી આંખો એની ભરી વાદળી જેવી ઘેરાતી. એ સૂનો જોગી જોનારને ભર્યો ભર્યો ભાસતો.

જોગીએ સ્નાન કીધું, ગોપીચન્દનની અર્ચા કીધી, બાહુએ ભાગ્યદેશે વક્ષસ્થળે તિલક કીધાં. ઠાકોરજીનું ધ્યાન ધર્યું, ચીપિયો ખખડાવ્યો, ને જોગી ઉઠ્યાઃ જાણે નિશ્ચયની શિલા ઉઠી! ધૂણાની ધૂણી વડલા નીચે સળગતી મૂકી, ખાલી ઝોળી ખભે ભરાવી, ખાખી વિજનતામાં મહાલવા ચાલ્યા.

તે દિવસે જોગી ત્રણ ગામ ફર્યા. અધૂરી ઝોળીએ જોગી મધ્યાહ્‌ને પાછા આવ્યા.

આવીને જોયું તો આંખડલીમાં જ્વાળા જલતી એવી ધૂણી ધખધખતી હતી. બેએક વટેમાર્ગુ તાપતા બેઠા હતા, ઇંધણાં લાવી લાવી ધૂણીને સંકોરતા હતા.

૧૬૭