પૃષ્ઠ:Pankhadio.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વનવગડામાંના અગ્નિ એ અગ્નિહોત્ર હતા.

એ વટેમાર્ગુઓ અજાણ્યા હતા, ને એમની ભાગ્યમુદ્રા ઉપર અજાણતાનાં અંબર આચ્છાદાયેલાં હતાં.

પણ જોગીને જાણ્યાં શાં? ને અજાણ્યાં શાં?

ત્રિકાળના અણઓળખીતા વર્તમાનની મહેમાનીએ આવ્યા હતા.

જોગીએ એમને આદર કીધા; ઠાકોરજીનાં ચરણામૃત આપ્યાં; વડલાનાં પાનની પત્રાવળ કીધી ને પીરસી; વડલાની કુંપળોના દ્રોણ કીધા ને જળ પાયાં. 'મ્હારે તો વ્રતની એકાદશી છે' કહી જોગી એ દિવસે અનશન રહ્યા. તડકા નમ્યે આશીર્વાદ ઉચ્ચરતા વટેમાર્ગુઓ વાટે વળ્યા.

વાટે વાટે જોગીના યશ વેરતા વટેમાર્ગુઓ વિચરતા.

રાજચંપાનો છોડ રોપાય ને ફરતી ફોરમ ફોરી ઉઠે એવી જોગીના જોગની ફોરમ પછી ફરતાં ગામોમાં ભભૂકી ઉઠી.

વર્ષો વીત્યે જોગીએ ચેલાઓ કીધા ત્ય્હારે એ બે વટેમાર્ગુઓ જોગીના પ્રથમ ચેલા હતા.

પછી તો જોગી રોજ સાત-સાત ગામ ફરતા, ને ઝોળી ભરી લાવી વટેમાર્ગુને-સાધુસન્તને જમાડતા. મહિનામાં પંદર દહાડા તો ઝોળી એટલી ભરાતી કે જોગીથી એ ઉપડતી નહિ, ને માર્ગે ભીખારીને ને કૂતરાંને ને વાંદરાંને રોટલા વેરતા જોગી આવતા.

૧૬૮