પૃષ્ઠ:Pankhadio.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સરિતાનાં પૂર જેવી માનવતા ધસતી આવી. પછી તો મનુમેદનીનો સાગર હિલોળે ચ્‍હડ્યો. ભરતી મધ્યાહ્‌નના જેવી ડોલતી. સરોવરની ચારે પાળોને ઘેરીને માનવજાતનાં મોજાંઓ ઉછળી રહ્યાં. ચંચુ ચંચુ ભરતાં યે રખેને સરોવરિયાંનાં ભર્યાં જળ ખૂટી જાય એટલી લોકમેદની જામી હતી.

મહેલાતમાં મઢી હતી, ને એ મઢીનાં નિત્ય ઉઘાડાં દ્વાર આજ ભીડેલાં હતાં.

સૂર્ય નારાયણે જાણે જોગીનાં દર્શનને કાજ ધીરે ધીરે આભને ઝરૂખે આવી બેઠા.

પ્રથમ પહોરનો ડંકો વાગ્યો. ડંકાનો મધુરો મધુરો ગુંજારવ મધુરપની પાંખોને પીંછે ચ્‍હડી નભોમંડળમાં ઘૂમતો ઘૂમતો દિશાઓની વનવિટપોમાં આથમી ગયો. જગતભરમાં આજ મધુરપ મહેકતી.

અન્તે મઢીના દુર્ગદ્વારની ભોગળો ખડખડી. કાળમીટની ભેખડ સમા દરવાજા સંકેલાયા. પર્વતછાટના પડદાઓ ઉઘડતાં મંહીથી સાક્ષાત્‌ શંકરનાં દર્શન થાય એવા એ અવધૂત મઢીમાંથી નીકળી મહેલાતના દુર્ગદ્વારમાં આવી ઉભા.

જમણા હાથમાં ચીપિયો હતો; દેહે લંગોટ હતો; માથે ઠાકોરજી હતા. સ્કન્ધે ખપ્પર લટકાવેલું હતું. અંગે ખાખ ચોળેલી હતી. ડાબા હાથમાં કમળ સરિખડું કમંડળું હતું. પૂર્વાશ્રમના ખાખી આજે પૂર્વજન્મે ખડા હતા. પડખે બે પાંખો સમા પટશિષ્યો હતા. વર્ષો પૂર્વેના વગડાના સંગાથી જીવનયજ્ઞને અવસરે આજ જોગીના સંગાથીઓ હતા.

૧૭૩