પૃષ્ઠ:Pankhadio.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહન્તના પટશિષ્યોએ શંખ વગાડ્યોઃ જોગીની જમાત સચેત થઇ. સાગરની છોળ જેવી જનમેદની ડોલી ઉઠી.

દુર્ગના દરવાજા વચ્ચે ગજરાજ આવીને ઉભે એવા જોગી હવેલીના દુર્ગદ્વાર વચ્ચે ઉભા હતા. મુખડે એક મન્ત્ર જપતા હતાઃ અહાલેક! અહાલેક!

કોઇકે વન્દન કીધાં, કોઇકે ગન્ધાક્ષત ચ્‍હડાવ્યા, કોઇકે પુષ્પોના અભિષેક કીધા. એકે ચરણવન્દના કીધી, જોગીએ સ્‍હામી ચરણવન્દના લીધી. એકે આવી આરતી ઉતારી ત્ય્હારે જોગીએ ઠાકોરસેવાને સન્મુખ ધરી.

ઠાકોરઆરતી પૂરી થયે પટશિષ્યોએ ફરી શંખ પૂર્યો. ગજરાજ સમી ગર્જના કરી પછી જોગીરાજ ગાજી ઉઠ્યાઃ

'આવો ને ઉદ્ધારોઃ મ્હને લૂંટો. સન્તજન! હરિજન! આવો, જોગીનાં ન્હોતરાં છે. આવો, ને મૂકાવો માયાપાશથી. સહુનું છે ને સહુ લેઇ જાઓ. શું લઈને આવ્યો'તો જગતમાં? ને શું લઈને જગતમાંથી જશે જીવ? લૂંટી જાવ. જોગીની સારી યે સાહ્યબી લૂંટી જાવ, ઠાકોરજીની મહેલાત લૂંટી જાવ. જેને જે જોઇતું હોય તે ત્‍હેનું છે. બ્રહ્માર્પણ! સર્વ બ્રહ્માર્પણ! બ્રહ્માંડવાસીઓ! ત્‍હમે બ્રહ્મપૂત્રો છો. બધું ત્‍હમારા બાપનું છેઃ બધાંનાં ત્‍હમે વારસ છો! આવો, લૂંટો, ને લ્યો. સર્વસ્વ બ્રહ્મસમર્પણ હો!'

જોગીનો જોગ જનમેદનીમાં ગાજી રહ્યો.

ब्रह्मार्पण ब्रह्महवि र्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्,

ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिन.
૧૭૪