પૃષ્ઠ:Pankhadio.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગીતાજીનો શ્લોક ભણતા ભણતા જોગી દુર્ગદ્વારમાંથી નીકળ્યાઃ જાણે જોગીએ સૂર્ય સમીપે પગલાં ભર્યાં! આકાશફેડતી જમાતે ગર્જના કીધીઃ અહાલેક!

પા સદ્દી પૂર્વે વ્રતની એકાદશીને પર્વે એકાકી આવ્યા હતા ને જે વડલાછાયે વિરાજ્યા હતા ત્ય્હાં સરોવરપાળે જઇને જોગી વિરાજ્યા. વડના થડની સમીપે ઠાકોરસેવા માંડી; વડના ચોકમાં ચીપિયાનો વજ્રદંડ રોપ્યો; ઇંધણાં વીણી લાવી ધૂણી ધખાવી. કમંડળું ભરી લાવી ઠાકોરસેવામાં ધર્યું, ખાલી ખપ્પરમાં ક્ષણેક નિહાળી રહ્યા.

એ ક્ષણમાં પચ્ચીસ વર્ષો ભૂંસાઈ ગયાં, એ એક ક્ષણમાં પા સદ્દીનો પૂલ ઓળંગી આત્મા પૂર્વાશ્રમને આરે ઉભો.

ભર્યાભર્યા મેઘના જેવું ગંભીર જોગીને મુખડે હાસ્ય હતું. વરસતા સૂર્યની ધારાઓ જેવાં જોગીને મુખડેથી કિરણો વરસતાં.

પ્‍હણે જનતાનું પૂર, ભરતીનાં મોજાંની પેઠે, દુર્ગદ્વારમાં પેઠું. લક્ષ્મીપૂત્રો યે જોગીની મઢી લૂંટવાને આવ્યા હતા; કારણ કે યત્કિંચિતે લીધે તે પુણ્યસ્મરણ તરીકે કુલધામે દેવપૂજામાં પધરાવવાનું હતુ. વરઘોડામાં વાડી લૂંટાય છે એમ ઘડીકમાં જોગીની મહેલાત લૂંટાઈ ગઈ, સમૃદ્ધિસૂની થઇ રહી.

એમ જોગીના માયાના અંચળ ઉતર્યાં.

૧૭૫