પૃષ્ઠ:Pankhadio.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્હેણે મ્હારી છાતીમાં માર્યું: જો કે ભૃગુલાંછન સમું કાંઈ ત્ય્હાં થવાનો ભય તો ન હતો.

‘આ કમળ ને આ ગુલાબ. કમળ જેવો પુરુષ છે, ગુલાબ જેવી સ્ત્રી છે.’

‘સુન્દર પુરુષને ત્હેં દીઠા છે ?’

‘સુન્દર સ્ત્રીઓ યે કેટકેટલીક છે ત્ય્હારે ? ‘સુન્દરી’, ‘સુન્દરી’, ‘સુન્દરી’ એમ પુરુષના પપૈયાએ પોઇકર્યું ન હોત તો જગત જાણત કે સુન્દરી કિયા વનનું ફૂલ છે. ગોરો રંગ કે અંગની છટા કે નેણનાં નખરાંને સુન્દરતા માનનારા વિષયલોલુપોને તો સારૂં જગત સુન્દરીઓથી વસેલું ભાસે છે. ડુંગરા દૂરથી રળિયામણા સારા. પાસે જઈ જોયે કેટકેટલી સુન્દરીઓ સુન્દર લાગે છે ? રંગ ને પાઉડર, કૉરસેટ ને ફ્લાવર ને ઝાલર ને ઝૂલ ને ભાતીગર સાડીઓ સુન્દરીને કેટકેટલી સુન્દરતા ઓઢાડે છે એ આંક્યું છે ? પુરુષાતનસોહન્તા પુરુષો યે જગતમાં એટલા જ છે, હો ! ત્હોએ યે કામલોલુપ સ્ત્રીઓની આંખ જગતમાં જન એટલા પુરુષો પેખે છે. શું પુરુષ કે શું સ્ત્રી-પરસ્પરને મુખ્યત્વે નિરખે છે આજ તો વિષયવાસનાની આંખડીએ.’

‘ત્ય્હારે ત્હ્મે શું કહો છો ?-મ્હારાં કામજેતા ગૃહદેવીજી !’

‘કામને જીતી હોત તો ત્હ્મને પરણવા આવત શા વાસ્તે?-પણ મ્હારા અભિપ્રાયનાં મૂલ શાં મૂલવવાં ?

૩૮