પૃષ્ઠ:Pankhadio.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગાજી ઉઠતું. પણ ઘણી યે વાર નદી જ્યારે સુષુપ્ત હોય, પંખીઓ ઉડી ગયાં હોય, વાયુબાલ વિરામતો હોય ત્ય્હારે તે વીણા પોતાનું એકલ ને અકલ સંગીત ગાતી અને વન એ વિશે કંઈ જાણતું નહિ. છતાં એવી વેળાએ સોનેરી ઘાસમાં ન્હાનકડાં ફૂલ કંઈક તેજથી કાન્ત થતાં ને છાનાં છાનાં પરિમલ વેરતાં.

વીણા ગાતી ત્હેનું કારણ કારણવાદીઓથી કળાતું નહિ પણ પંખીડાં ને વાયુબાલ કરતાં વીણા વધારે ગાતી.

આ બધું એક ઉંડા ઉંડા વનમાં બનતું-ધણને પાણી પાતા ને દ્‌હોતા એવા એક નદીકાંઠે થતું. ગોપવૃન્દ એ સંગીત સાનન્દ સાંભળતું, કારણ કે તે કૃષ્ણસખા હતા. બાલતેજ ભર્યા સ્હવારે ને છાયાછવરાયા સ્હાંજસમયે ત્હેમના આત્માઓ ત્ય્હાં નિત્યે ને નિત્યે સંગીતપૂર્ણ થતા. પણ વાઘ મૃત્યુચ્છ્‌વાસ કહાડતા કે ચન્દ્રતેજમાં નદી કાન્તિમતી થતી એ મધ્યાહ્‌ને કે મધ્યરાત્રીએ ગોપકુલ ત્યહાં આવતું નહિ.

એક વેળા સ્હાંજનો સમય હતો ને વન ઉપર સૂર્યરાજ વિરામતો.

નદી ઉપર છાયાઓના પટ પડ્યા હતા ને એ છાયાપટોને નદીની લહરીઓ હિન્ડોળા નાંખતી.

સુવર્ણતેજમાં પક્ષીઓ પાછાં માળે આવતાં અને ઉંચાં ઉંચાં પત્રગુચ્છોમાંના ઝીણકા માળાઓમાં માદાઓ પોતાનાં પ્રિય આત્મજોનાં સેવન કરતી. તે વેળા વીણા આછાં-અતિ આછેરાં શોકગીત ગાતી હતી.

૬૮